Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની પછડાટ બાદ પ્રિયંકા ગાંધી એક્શનમાં, જિલ્લા-શહેર પ્રમુખો બદલવા મનમાનવી રહ્યા છે

નવી દિલ્‍હી : ઉત્તર પ્રદેશમાં કારમી હાર મેળવ્યા બાદ કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ તમામ જિલ્લા અને શહેર પ્રમુખો બદલી શકે છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર રાયબરેલીમાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં પ્રિયંકા ગાંધીએ તેના સંકેત પણ આપી દીધા છે. પ્રિયંકા ગાંધી હવે દિલ્હી અને લખનૌ એમ બંને જગ્યાએ સંગઠનને અનુલક્ષીને બેઠક યોજશે તેમજ ટૂંક સમયમાં તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હિલાલ નકવીએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદ કોંગ્રેસ હવે પોતાનાં સંગઠનને મજબૂત કરવામાં લાગી છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે હોદ્દા પર બેસીને કામ નહીં કરનારાઓની ઓળખ કરાઈ રહી છે તેમને હોદ્દા પરથી હટાવીને અન્ય કામોની જવાબદારી આપવામાં આવી શકે છે. નકવીએ વધુમાં જણાવ્યું હતું કે હાલ પ્રિયંકા ગાંધી પ્રદેશના નેતાઓ અને કાર્યકરો પાસેથી ફીડબેક લઇ રહ્યા છે.

આ તમામ તૈયારી 2022 વિધાનસભાની તૈયારીને અનુલક્ષીને કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં લોકસભા ચૂંટણીમાં મળેલ કારમી હાર બાદ પ્રિયંકા ગાંધીએ રાયબરેલીમાં યોજાયેલ કોંગ્રેસની પ્રથમ સમીક્ષા બેઠકમાં પાર્ટીના પ્રદર્શનનું ઠીકરું અમુક કાર્યકરોએ પર ફોડ્યું હતું. તેઓએ કહ્યું હતું કે અમુક કાર્યકર્તાઓએ દિલથી કામ નહોતું કર્યું. જો કે બાદમાં તેઓએ કાર્યકરોનો હોંસલો બુલંદ કર્યો હતો તેમજ લોકસભા ચૂંટણીમાં મળેલ હારને ભૂલીને નવેસરથી પાર્ટીને મજબૂત બનાવવામાં લાગી જવાનું આહવાન કર્યું હતું.

(11:41 am IST)