Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

ગૃહમાં મનમોહનસિંહ અને દેવગૌડા આ વખતે નહીં રહે

મનમોહનસિંહ નિવૃત્ત થયા જ્યારે ગૌડા હાર્યા : ૧૭મી જૂનથી સંસદનું પ્રથમ સત્ર શરૂ થશે ત્યારે ગૃહમાં આ વખતે કોઇ ભૂતપૂર્વ વડાપ્રધાનની ઉપસ્થિતિ નહીં રહે

નવી દિલ્હી, તા. ૧૫ : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની રાજ્યસભાની અવધિ પરિપૂર્ણ થઇ ચુકી છે. આની સાથે જ આ બાબત નક્કી થઇ ગઇ છે કે, જ્યારે નવી સરકારની રચના બાદ ૧૭મી જૂનના દિવસે પ્રથમ સંસદ સત્રની શરૂઆત થશે ત્યારે ત્યારે કોઇ પૂર્વ વડાપ્રધાન ગૃહમાં ઉપસ્થિત રહેશે નહીં. જેડીએસના નેતા અને પૂર્વ વડાપ્રધાન દેવગૌડા તુમકુર લોકસભા ચૂંટણી હારી ગયા છે. મનમોહનસિંહ માટે બીજી વખત રાજ્યસભામાં ચૂંટાઈ આવવાની બાબત મુશ્કેલરુપ દેખાઈ રહી છે. મનમોહનસિંહને ૨૦૦૮ની મંદીમાંથી ભારતને બહાર નિકળવાની માટેની ક્રેડિટ જાય છે. તેઓ ૧૯૯૧માં આસામમાં પ્રથમ વખત રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ પ્રથમ વખત મનમોહનસિંહ સંસદમાં દેખાશે નહીં. આસામ વિધાનસભામાં કોંગ્રેસના ૨૫ ધારાસભ્યો છે જ્યારે રાજ્યસભા સભ્યની ચૂંટણીમાં પક્ષમાં વોટિંગ કરાવવા માટે ૪૩ ધારાસભ્યોની જરૂર પડે છે. જો તેમણે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક ફ્રન્ટના ૧૩ ધારાસભ્યોનું સમર્થન મળે છે તો પણ પાર્ટીને બીજા પાંચ ધારાસભ્યોની જરૂર રહેશે. પાર્ટી તેમને અન્ય રાજ્યોમાંથી પણ રાજ્યસભામાં મોકલી શકે તેવી સ્થિતિમાં નથી. આસામમાં બે સીટ પર ભાજપ અને એલજેપીના સભ્યો ચૂંટાઈને રાજ્યસભામાં પહોંચ્યા છે જ્યારે બાકીની નવ ખાલી સીટોમાં ઓરિસ્સામાં ચાર, તમિળનાડુ, બિહાર અને ગુજરાતમાં ચાર સીટો છે. ગુજરાતને બાદ કરતા કોંગ્રેસ પાસે કોઇપણ જગ્યાએ જરૂરી સંખ્યા નથી. મનમોહનસિંહ, કર્ણાટક, છત્તીસગઢ, રાજસ્થાન અથવા તો પંજાબમાંથી ચૂંટાઈ રાજ્યસભા જઈ શકે તેમ નથી. કારણ કે, ત્યાં હજુ સીટો ખાલી નથી. જો કે, કોંગ્રેસ ઇચ્છે તો તે પોતાના કોઇ વર્તમાન રાજ્યસભાના સાંસદને રાજીનામુ અપાવીને મનમોહનસિંહ માટે જગ્યા ખાલી કરાવી શકે છે. ૨૮ વર્ષના સાંસદ તરીકેના ગાળામાં મનમોહનસિંહ ૧૦ વર્ષ વડાપ્રધાન અને છ વર્ષ સુધી રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે રહ્યા છે. મનમોહનસિંહ છેલ્લે ૨૦૧૩માં રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા હતા. સંસદનું સત્ર ૧૭મી જૂનથી શરૂ થઇ રહ્યું છે. નવી સરકાર રચાયા બાદ આ પ્રથમ સત્ર રહેશે. પ્રથમ સત્રમાં જ અનેક મહત્વપૂર્ણ કામગીરીને હાથ ધરવા માટે મોદી સરકાર તૈયાર છે. હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મોદીના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતિ હાંસલ કરી હતી જેમાં ભાજપને ૩૦૩ સીટો અને કોંગ્રેસને બાવન સીટો હાથ લાગી હતી.

 

ભારતને હવે પ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવી શકાય છે : મોદી

નીતિ આયોગની બેઠકમાં મોદીએ તમામ મુદ્દા ઉપર વાત કરી : મમતા બેનર્જી અને ચંદ્રશેખર રાવ સિવાય તમામ રાજ્યોના મુખ્યમંત્રી બેઠકમાં ઉપસ્થિત : ગરીબી, બેરોજગારી, દુકાળ, ભ્રષ્ટાચાર સામે લડવા અપીલ કરી

નવીદિલ્હી, તા. ૧૫ : રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની પાંચમી મિટિંગ આજે મળી હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૪ સુધી ભારતને પાંચ ટ્રિલિયન ડોલરના કદના અર્થતંત્ર બનાવવાનો ઉદેશ્ય પડકારરુપ છે પરંતુ આ ઉદ્દેશ્યને હાંસલ કરી શકાય છે. રાજ્યોના સંયુક્ત પ્રયાસો પણ આના માટે જરૂરી રહેશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ સિવાય તમામ રાજ્યોના મુખ્યમંત્રી આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. સત્તાવાર યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, મોદીએ નીતિ આયોગમાં ભારપૂર્વક કહ્યું હતું કે, સબકા સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્રને પરિપૂર્ણ કરવામાં નીતિ આયોગની ચાવીરુપ ભૂમિકા રહેલી છે. આ મિટિંગમાં તમામ પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી. મોદીએ કહ્યું હતું કે, હવે અમે પરફોર્મન્સ, ટ્રાન્સપરન્ટી અને ડિલિવરીના આધાર પર ગવર્નન્સ સિસ્ટમની દિશામાં આગળ વધી રહ્યા છે. સ્કીમોના જમીની અમલીકરણ અંગે આગળ વધવાની જરૂર છે. તમામ સ્કીમોને વહેલીતકે અમલી કરીને તેના લાભ સામાન્ય લોકો સુધી પહોંચે તે જરૂરી છે. ગવર્નિંગ કાઉન્સિલના તમામ સભ્યોને સરકારી માળખુ રચવા મદદરુપ થવાની અપીલ કરી હતી. લોકોના વિશ્વાસ માટે કામ કરવાનો સમય છે. હાલમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણીની પ્રક્રિયા હાલમાં પૂર્ણ થઇ છે. હવે ભારતના વિકાસ માટે દરેક વ્યક્તિને સાથે મળીને કામ કરવાનો સમય આવી ગયો છે.

નીતિ આયોગની આ બેઠકમાં મોદીએ ભ્રષ્ટાચાર, બેરોજગારી, દુકાળ, પુર, વસતી અને હિંસાની સામે લડવા માટે સાથે મળીને કામ કરવાની જરૂર છે. તેમણે યાદ અપાવતા કહ્યું હતું કે, ૨૦૨૪ સુધી ભારતને પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર બનાવવા આડે પડકાર ઘણા છે પરંતુ આ પડકારને હાંસલ કરી શકાય છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યોએ તેમની મહત્વની ભૂમિકા અદા કરવી જોઇએ. જિલ્લા સ્તરથી જીડીપી ટાર્ગેટને વધારવાની દિશામાં કામ કરવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશના ઘણા ભાગોમાં દુષ્કાળની સ્થિતિ પ્રવર્તી રહી છે. આ સમસ્યાને ઉકેલવા માટે અસરકારક પગલા જરૂરી બન્યા છે. પર ડ્રોપ મોર ક્રોપની વ્યૂહરચના સાથે આગળ વધવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, હાલમાં જ રચવામાં આવેલા નવા જળશક્તિ મંત્રાલયના લીધે પાણી પ્રત્યે ઇન્ટીગ્રેટેડ અભિગમ અપનાવી શકાશે. રાજ્યો પણ કન્ઝર્વેશન અને મેનેજમેન્ટ તરફ પોતાની ભૂમિકા અદા કરી શકે છે. પાણીના સંગ્રહ અને જતનની દિશામાં વધુ કામ કરવાની જરૂર છે.

(12:00 am IST)