Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

અમેરિકાને જવાબ :૩૦ પ્રોડક્ટ ઉપર ઈમ્પોર્ટ ડ્યુટીને વધારી દીધી

અમેરિકાએ કેટલીક ચીજવસ્તુઓ પર વધુ ડ્યુટી લાદતા નિર્ણય :વિશ્વ વેપાર સંગઠનને ૩૦ વસ્તુઓની યાદી સુપ્રત કરી :ભારતને ૨૩૮.૦૯ મિલિયન ડોલર મળશે :ખાસ પ્રકારની બાઈક, ફળ અમેરિકાને મોંઘા પડશે

નવી દિલ્હી, તા.૧૬ :અમેરિકાએ હાલમાં લીધેલા કઠોર પગલાનો ભારતે પણ જોરદાર જવાબ આપ્યો છે. જેવા સાથે તેવાનું વર્તન કરને ભારતે ૩૦ પ્રોડક્ટ ઉપર આયાત ડ્યુટીને વધારી દીધી છે. અમેરિકાએ હાલમાં જ કેટલીક ચીજવસ્તુઓ પર કસ્ટમ ડ્યુટીમાં વધારો કરી દીધો હતો. જેના પરિણામ સ્વરૂપે ભારતે પણ ૩૦ પ્રોડક્ટની આયાત ઉપર છૂટછાટને ખતમ કરી દીધી છે. મોટરસાયકલ, આયર્ન અને સ્ટીલની ચીજવસ્તુ, બોરીક એસિડ અને અન્ય ચીજવસ્તુઓ સહિત ૩૦ વસ્તુઓની પ્રોડક્ટ પર આયાત ડ્યુટી વધારી દીધી છે. આ સંબંધમાં ભારત તરફથી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઝેશનને માહિતી આપી દેવામાં આવી છે. ભારતે ૧૪મી જૂનના દિવસે વિશ્વ વ્યાપાર સંગઠનને પત્ર લખીને કહ્યું હતું કે અમેરિકાથી થનાર આયાત પર ખતમ કરવામાં આવેલી છૂટછાટ તેના તરફથી ભારતમાં પ્રોડક્ટ પર મુકવામાં આવેલી ડ્યુટી મુજબ જ લાગુ રહેશે. ભારતે ૮૦૦ સીસીથી વધુ ક્ષમતાવાળ બાઈક, ચોક્કસ પ્રકારની ફળ ફળાદી, બદામ સહિત ૩૦ પ્રોડક્ટ પર ડ્યુટી વધારવાનો નિર્ણય કર્યો છે. અમેરિકાએ ભારત તરફથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત ઉપર ડ્યુટી વધારવાના જવાબમાં આ કાર્યવાહી કરી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકા તરફથી ભારતથી સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ડ્યુટી વધારવાના જવાબમાં આ કાર્યવાહી કરી છે. નવા ચુકાદા મુજબ જ્યારે અમેરિકાથી આયાત થનાર ૮૦૦ સીસીથી વધારે બાઈક પર ૫૦ ટકા ડ્યુટી લાગશે. જ્યારે બદામ પર ૨૦ ટકા, મગફળી પર ૨૦ ટકા, સફરજન પર ૨૫ ટકા ડ્યુટી લાગુ થશે. સમગ્ર મામલાની માહિતી ધરાવનાર એક અધિકારીએ કહ્યું છે કે આ પ્રથમ વખત છે જ્યારે ભારતે અમેરિકાની સામે જવાબી કાર્યવાહી કરીને આયાત ઉપર ડ્યુટીમાં વધારો કર્યો છે. ભારત તરફથી વધારવામાં આવેલી ડ્યુટી ૨૧મી જુનથી અમલી બનશે. ભારતને અંદાજ છે કે આ વધારવામાં આવેલી ડ્યુટીથી ૨૩૮.૦૯ મિલિયન અમેરિકી ડોલરનો ફાયદો થશે. ભારતે સુધારવામાં આવેલી ૩૦ ચીજવસ્તુઓની યાદી ડબલ્યુટીઓને સોંપી દીધી છે. આ ચીજવસ્તુઓ પર કસ્ટમ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે. અમેરિકાએ ચોક્કસ પ્રકારના સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ ઉપર ડ્યુટમાં વધારો કર્યા બાદ ભારતે આ નિર્ણય કર્યો છે. અમેરિકાને ચોક્કસ પ્રકારના સ્ટીલ અને એલ્યુમિનિયમની વસ્તુઓ જે ભારતમાંથી આવે છે તેના ઉપર ડ્યુટીમાં વધારો કરવાથી ૨૪૧ મિલિયન ડોલર મળનાર છે. આવી સ્થિતિમાં ભારતે પણ આ નિર્ણય કર્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોર વચ્ચે હવે આ નવી સ્થિતિ સર્જાઈ છે. અગાઉ મે મહિનામાં ભારતે ચોક્કસ પ્રકારની મોટરસાયકલ જેવી ૨૦ પ્રોડક્ટ ઉપર ૧૦૦ ટકા સુધી વધારો કર્યો હતો. આ વસ્તુઓ પર ડ્યુટીમાં કરવામાં આવનાર વધુ વધારો ૧૦ ટકાથી ૧૦૦ ટકા સુધી રહેશે. નવમી માર્ચના દિવસે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આયાત કરવામાં આવતી સ્ટીલ અને એલ્યુમિનિયમની ચીજવસ્તુઓ પર જંગી ટેરીફ લાગુ કરવાનો નિર્ણય કર્યો હતો.

(7:55 pm IST)