Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

નિયમ લાવનારી દેશની પ્રથમ કંપની

જેટ એરવેઝમાં હવે ૧૫ કિલોની માત્ર ૧ જ બેગ લઈને કરી શકાશે મુસાફરી

નવી દિલ્હી, તા.૧૬: જો તમે ૧૫ જુલાઈ બાદ જેટ એરવેઝમાં પ્રવાસ કરવાના હોવ તો પોતાની સાથે ૧ જ બેગ લઈ જઈ શકશો. આ એવિએશન કંપનીએ ચેક-ઈન બેગેજ પોલીસીમાં ફેરફાર કર્યો છે. નવા નિયમો પ્રમાણે, ઈકોનોમી કલાસના પેસેંજર વધુમાં વધુ ૧૫ કિલોની એક જ બેગ લઈને મુસાફરી કરી શકશે.

 પ્રીમિયમ કલાસના પેસેંજર ફ્રીમાં ૨ બેગ લઈ જઈ શકશે. બંને બેગનું વજન ૧૫-૧૫ કિલો હોવું જોઈએ. જેટ એરવેઝ ભારતની પ્રથમ એવિએશન કંપની છે જેણે સામાનની સંખ્યા પર પ્રતિબંધ મૂકયો હોય. કંપનીના મતે, જેટ પ્લેટિનમ કાર્ડ ધારકો ઈકોનોમી કલાસમાં ૨ બેગ લઈને મુસાફરી કરી શકે છે. જો કે કંપનીએ વધારે સામાન લઈને આવનારા પેસેન્જર્સ માટેના નિયમોની સ્પષ્ટતા નથી કરી. અત્યારે નક્કી કરેલી મર્યાદાથી વધુ વજન લઈને આવનારા પેસેન્જર્સ પાસેથી એકસ્ટ્રા ચાર્જ લેવામાં આવે છે.

સિંગલ બેગ કોન્સેપ્ટને જેટ એરવેઝે ૧૫ જૂનથી ભારતીય ફ્લાઈટ્સમાં લાગુ કર્યો છે. કંપનીએ વેબસાઈટ પર સ્પષ્ટતા કરી છે કે ૧૪ જૂન પહેલા થયેલા બુકિંગ અને ૧૫ જુલાઈ પહેલાની મુસાફરી પર આ નિયમ લાગૂ નહીં પડે. એરલાઈન્સે જણાવ્યું કે, ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં બેગ્સની સંખ્યા પર છેલ્લા ૧ વર્ષથી પ્રતિબંધ મૂકાયેલો છે. આ ભારતીય એરલાઈન્સ માટે નવું પગલું છે પરંતુ ઈંટરનેશનલ કંપનીઓએ બેગ્સની સંખ્યા પહેલાથી જ નક્કી કરી રાખી છે.

એરલાઈન્સ કંપનીઓનું માનવું છે કે બેગ્સની સંખ્યા ઓછી હોય તો સમયનો બચાવ થાય છે. સાથે જ બેગ્સની સંખ્યા મર્યાદિત હોવાથી વધારે વધારાના સામાન પર વસૂલાતા ચાર્જ દ્વારા વધારે કમાણીની તક મળે છે. (૨૩.૧૨)

(3:38 pm IST)