Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

પાકિસ્તાનની આ ફરિયાદ બાદ ફરી બંને દેશોના સંબંધો પર તોળાતી તલવાર

ભારત - પાકિસ્તાન વાર્તા ફરી ખોરંભે

નવી દિલ્હી તા. ૧૬ : જે રીતે ભારત અને પાકિસ્તાન સીઝફાયર ઉલ્લંઘનને લઈને એકબીજાની વિરૂદ્ઘ દાવા કરતા હોય છે તેવું જ હવે ડિપ્લોમેટ્સની હેરાનગતી મામેલ થઈ રહ્યું છે. બંને દેશો વચ્ચે પોતાના ડિપ્લોમેટ્સની સુરક્ષા માટે ૧૯૯૨ કોડ ઓફ કંડકટ હેઠળ એક સમજૂતી બની હતી. જોકે તે કારગર સાબિત નથી થઈ રહી. તેનું કારણ છે પાકિસ્તાન દ્વાર હાલમાં કરવામાં આવેલ નાપાક હરકતો. પાકિસ્તાન હવ સીઝફાયરની જેમ એકબાજુ ભારતીય અધિકારીઓને સતત હેરાન કરી રહ્યું છે તો બીજી તરફ આરોપ ભારત પર લગાવી રહ્યું છે કે ભારત તેમના અધિકારીઓને હેરાન કરે છે.

સૂત્રો તરફથી મળેલ જાણકારી અનુસાર, પાકિસ્તાન તરફથી આ મહિને ભારતીય વિદેશ મંત્રાલયમાં ત્રણવાર ફરિયાદ નોંધવામાં આવી છે કે તેમના ડિપ્લોમેટ્સને ભારતીય અધિકારીઓ જાણી જોઈને હેરાન કરે છે. એટલું જ નહીં પાકિસ્તાને બદલાની કાર્યવાહી કરતા ભારતના એર એડવાઇઝરને ૧૦ જૂનના દિવસે ઇસ્લામાબાદ એરપોર્ટ ખાતે જ રોકી લીધા હતા. કેમ કે તેમની પાસે એ આઈડી કાર્ડ નહોતું જે પાકિસ્તાની વિદેશ મંત્રાલયે તેમને ઇશ્યુ કર્યું હતું. અલબત્ત, તેના પર ભારતે જણાવ્યું હતું કે પાકિસ્તાની મંત્રાલયે જ આ કાર્ડ રીન્યુ નહોતું કર્યું

આટલું જ નથી આ પહેલા પણ પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે ભારતમાં તેમના એર એડવાઇઝર જયારે સાકેત ખાતે આવેલ DLF મોલમાં ગયા હતા ત્યારે તેમની ગાડી તોડી નાખવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ૨૦૧૫થી એનએસએ સ્તરની બેઠક યોજાઈ નથી. ભારતે ચોખ્ખા શબ્દોમાં પાકિસ્તાનને કહી દીધું છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે ના થઈ શકે.

કોડ ઓફ કન્ડકટ(COC) અનુસાર જયારે પણ કોઈપણ દેશના રાજદ્વારી અધિકારી બીજા દેશમાં ફરજના ભાગરુપે જાય છે ત્યારે યજમાન દેશની જવાબદારી બને છે કે તેમનું યથોચિત સ્વાગત કરી સારસંભાળ લે. એટલું જ નહીં તેમના ઘરની કે તેમની જાસૂસી કરીને, કે પછી ટેલીફોન લાઈન, વીજળી લાઇન કાપીને કે તેમના આસાપાસ અજાણ્યા લોકોની ગાડીઓને ઉભી રાખીને તેમને હેરાન કરી શકાય નહીં.

(12:41 pm IST)