Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

પતિની મરજી વગર ગર્ભપાત કરાવવો એ ક્રુરતા - હાઇકોર્ટ

પતિની તરફેણમાં છૂટાછેડાનો ફેંસલો આપતી કોર્ટ

નવી દિલ્હી તા. ૧૬ :.. પતિની ઇચ્છા વગર પત્નિએ ગર્ભપાત કરાવ્યો તેને અદાલતે ગંભીર માનસીક ક્રુરતા ગણીને પતિની તરફેણમાં છૂટાછેડાનો ફેંસલો આપ્યો. દિલ્હી હાઇકોર્ટે આ મામલામાં સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો હવાલો દઇને કહ્યું કે કોઇપણ મેડીકલ કારણ વગર જો પત્નિ - પતિની મરજી વગર ગર્ભપાત કરાવે તો તે ક્રુરતા છે. અને તેના આધારે લગ્ન જીવન સમાપ્ત કરી શકાય. હાઇકોર્ટે નીચલી અદાલતના હુકમ વિરૂધ્ધ પત્નિએ કરેલી અરજી રદ કરી હતી. નીચલી અદાલતે પણ છૂટાછેડાનો ચુકાદો આપ્યો હતો. ફેમીલી કોર્ટના ર૯ જાન્યુઆરી ર૦૧૮ ના ચુકાદાને પત્નીએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

રર ફેબ્રુઆરી ર૦૦૭ ના રોજ આ દંપતિના લગ્ન થયા હતાં. પતિએ આરોપ મુકયો હતો કે ના પાડી હતી. જેના લીધે તેને ઘણી માનસીક તકલીફો સહન કરવી પડી હતી. ત્યારબાદ પણ પત્નિનું વર્તન બરાબર નહોતું. તે મારી માતા માટે ગંદી ભાષા વાપરતી હતી. આ દરમ્યાન ર૦૦૮ માં તેમને એક દિકરો થયો હતો.

- ર૦૧૦માં જયારે તે ફરીથી ગર્ભવતી બની ત્યારે પોતાના પિયર જતી રહી હતી. જયારે તે પાછી આવી ત્યારે પતિને ખબર પડી કે તેણે ગર્ભપાત કરાવી લીધો હતો. પતિને આ બાબતે ન તો તેણે પૂછયું કે બતાવ્યું. પતિએ આનો વાંધો લીધો તો પત્નીએ કહ્યું કે બાળકો પેદા કરવાથી તેના શરીરની સુંદરતા ખરાબ થઇ જાય છે જયારે પત્નીના માતા પિતાએ કહ્યું કે બે-બે છોકરાને સાચવશે કોણ.

પતિના કહેવા પ્રમાણે ૧૬ ઓગષ્ટ-ર૦૧૧ના રોજ પત્નિી  તેના એક માત્ર દિકરાને લઇને પિયર ચાલી ગઇ હતી. જયારે ૧૮ ઓગષ્ટના રોજ તે પોતાના સગા સાથે તેને લેવા ગયો તો તેણે પાછા આવવાની ના પાડી દીધ. ત્યારે ત્યાં પંચાયત પણ બોલાવાઇ પણ તે માની ન હોતી. પતિએ આરોપ મૂકતા કહ્યું કે પત્નીએ તેને બુઢ્ઢો, કાળો અને અભણ કહ્યો અને તેની માંને ગાળો પણ આપી ત્યાર બાદ પતિએ માનસિક ક્રુરતાના આધારે છૂટાછેડા માંગ્યા હતાં.

પત્નીએ તમામ આરોપોને નકાર્યા હતા. લગ્નજીવન બચાવવા તેણે એમપણ કહ્યું કે તેણે ગર્ભપાત કરાવ્યો નહોતો પણ એમજ થઇ ગયો હતો. કોર્ટે કહ્યું કે ઘરમાં સામાન્ય રકઝક ચાલતી જ હોય છે તેનાથી ક્રુરતા સાબિત ન થાય પણ સબુતો પરથી એવું સાબિત થાય છે તે પોતાના પિયર ગઇ હતી. ગર્ભપાત કરાવ્યો હતો. તેણે પોતાના બચાવમાં જે કહ્યું તે મેડીકલ સાબિત નથી થતું, પોતાની મનની મરજીથી કરાવેલો આ ગર્ભપાત માનસિક ક્રુરતા છે અને તેના આધારે પતિને છૂટાછેડા લેવાનો હકક છે. 

(12:39 pm IST)