Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ટૂંક સમયમાં દેશના દરેક મેડિકલ સ્ટોર પરથી સસ્તી જેનેરિક દવાઓ મળવા લાગશે

જેનેરિક દવા રાખવાનું ફરજીયાત બને તેવો કાયદો લાવશે સરકારઃ જેનેરિક દવા નહિ રાખે તો લાયસન્સ રદ કરવા સુધીના પગલા

નવી દિલ્હી, તા. ૧૬ :. ત્રણ મહિના પછી તમારે કોઈપણ મેડીકલ સ્ટોરમાં પ્રખ્યાત કંપનીની મોંઘી દવાઓ લેવાની ફરજ નહિ પડે. તમે એ જ ફોર્મ્યુલાવાળી સસ્તી અને સારી દવા મેડીકલ સ્ટોરવાળા પાસે માંગી શકશો. દર્દીઓને સસ્તી દવા મળે તે માટે કેન્દ્ર સરકાર દરેક દવાની દુકાનમાં જેનેરીક દવા રાખવાનું ફરજીયાત બનાવી રહી છે. આ માટેનો નવો કાયદો ત્રણ મહિનામાં લાગુ કરી દેવાશે.શુક્રવારે થયેલી એક બેઠકમાં ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડીયા એ કહ્યું કે, આરોગ્ય મંત્રાલયમાંથી સૂચના મળ્યા પછી અમે બધા રાજ્યોને આના માટે ભલામણ મોકલી આપી છે. જેમા કહેવાયુ છે કે ડ્રગ ટેકનિકલ બોર્ડે બધા જ મેડીકલ સ્ટોરમાં ફરજીયાત જેનેરીક દવાઓ રાખવાની સુચના આપી છે. સાથે સાથે એમ પણ કહેવાયુ છે કે આ દવાઓ અલગ કબાટમાં રાખીને તેના પર જેનેરીક દવાઓ લખીને એવી રીતે રાખવંુ જેથી ગ્રાહકો સહેલાઈથી જોઈ શકે. ભલામણમાં રાજ્યોને આ સૂચનાની જાણકારી બધી લાયસન્સવાળી દવાની દુકાનોને આપીને તેનુ પાલન કરાવવાનું પણ કહ્યુ છે.મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ કહ્યુ કે, છેલ્લા ચાર વર્ષમાં સરકારે ૩૨૦૦ નવી જેનેરીક દવાની દુકાનો શરૂ કરી છે. પહેલા ફકત ૪૦૦ દુકાનો જ હતી. જેનેરીક દવાઓને પ્રોત્સાહન આપવા હવે દરેક દુકાનો પર તેને રાખવાનું ફરજીયાત બનાવાય રહ્યુ છે. એક સંયુકત નિર્દેશ અનુસાર આવતા ત્રણ મહિનામાં ડ્રગ અને કોસ્મેટીક એકટમાં ફેરફાર કરીને કાયદો બદલવામાં આવશે ત્યાર પછી કોઈપણ દવાની દુકાન જેનેરીક દવા રાખવાનીના નહીં પાડી શકે અને જો તે એમ કરશે તો સંબંધીત જીલ્લા ઔષધી વિભાગ તેનુ લાયસન્સ રદ કરી શકશે. પ્રધાનમંત્રી જન ઔષધી યોજના સાથે જોડાયેલા એક ઉચ્ચ અધિકારીનું કહેવું છે કે દરેક દવાની દુકાન પર જેનેરીક દવાઓ રાખવાથી તેના વેપારમાં કરોડો રૂપિયાનો વધારો થશે. ઉપરાંત બજારમાં આ દવાઓની માંગ કેટલાય સો ગણી વધશે. આ દરમ્યાન દવાઓની ઘટના થાય એના માટે સરકાર આવતા બે મહિનામાં સરકાર તેનોે સંગ્રહ કરી લેશે.(૨-૪)

(11:35 am IST)