Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

રવિવારે નરેન્દ્રભાઇના નિવાસે જશે કેજરીવાલ

દિલ્હીના હજારો લોકો સાથે કૂચ કરશે : ૧૦ લાખની સહી સાથે આવેદન - લડત આપશે

નવી દિલ્હી તા. ૧૬ : દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બીજો પત્ર લખીને દિલ્હીના આઇએએસ અધિકારીઓની હડતાળ મુદ્દે દરમિયાનગીરી કરવા માગણી કરી હતી અને જણાવ્યું હતું કે તેમના ધરણાં પોતાના હિત માટે નહીં પણ દિલ્હીના લોકોના ભલા માટે હતા. કેજરીવાલે આજે પાંચમા દિવસે પણ એલજી ઓફિસમાં ધરણા ચાલુ રાખ્યા હતા.

કેજરીવાલે ધરણાંના પાંચમા દિવસે વીડિયો પ્રસિદ્ઘ કરીને જણાવ્યું હતું કે પોતે એલજીને અને સિસોદિયાને પત્ર લખવાનું કહ્યું હતું અને વોટ્સએપ પર સંદેશ પણ મોકલ્યો હતો પરંતુ એલજીએ કોઇ પ્રતિભાવ આપ્યો નહોતો. તેમણે વડાપ્રધાનને જણાવ્યું હતું કે અધિકારીઓ બેઠકમાં હાજરી ન આપે તો સરકાર ચલાવી શકાય ખરી ? તો પછી દિલ્હીના અધિકારીઓની હડતાલ કેમ ચલાવી લેવાય છે ? કેજરીવાલે વડાપ્રધાનને અગાઉ પણ પત્ર લખીને દરમિયાનગીરી કરવાની માગ કરી હતી.

દરમિયાન ડોકટરોએ કેજરીવાલનું મેડિકલ ચેકઅપ કર્યું હતું. કેજરીવાલે વડાપ્રધાનને બીજો પત્ર લખીને અધિકારીઓની હડતાળ ખતમ કરવા એલજીને જણાવવા તેમજ અધિકારીઓ સામે પગલા ભરવા અંગે દરમિયાનગીરીની માગ પણ કરી હતી. પોતે રવિવારે વડાપ્રધાનના નિવાસસ્થાને જઈ વડાપ્રધાનને વિનંતી કરશે. આ કૂચમાં દિલ્હીના લોકો પણ જોડાશે. વડાપ્રધાન કોઇ પ્રતિક્રિયા નહીં આપે તો દિલ્હીના ૧૦ લાખ લોકોની સહીવાળુ આવેદનપત્ર તૈયાર કરાશે. દિલ્હીના દસ લાખ પરિવારો દિલ્હીને રાજયના દરજ્જા અને અધિકારીઓની હડતાલ મુદ્દે લડત આપશે.(૨૧.૨)

(10:11 am IST)