Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

ભૈયુજી આપઘાતના મામલે કુટુંબના સભ્યની પુછપરછ

હત્યાની આશંકાને પોલીસે સંપૂર્ણપણે ફગાવી : બીજા લગ્ન બાદ પ્રતિષ્ઠાને ફટકો પડ્યો હતો અને ભક્તોની સંખ્યા ઘટી રહી હતી : ભૈયુજી મહારાજ ખુબ હેરાન હતા

ભોપાલ, તા.૧૫ : આધ્યાત્મિક ગુરુ ભૈયુજી મહારાજે આખરે આપઘાત કેમ કર્યો તેને લઇને તપાસ ચાલી રહી છે ત્યારે જુદા જુદા પ્રશ્નો ઉઠી રહ્યા છે. પારિવારીક લડાઈ ઝગડા અથવા તો અન્ય કોઇ કારણ આપઘાત પાછળ જવાબદાર રહ્યા છે કે કેમ તેમાં તપાસ ચાલી રહી છે. પોલીસના વરિષ્ઠ અધિકારી કહી ચુક્યા છે કે, ભૈયુજી મહારાજ ઘરમાં ચાલતી ખેંચતાણન કારણે પરેશાન હતા. લગ્નના કારણે તેમની પ્રતિષ્ઠાને પણ ફટકો પડ્યો હતો. ભક્તોની સંખ્યા સતત ઘટી રહી હતી. રાજકીય ક્ષેત્રે પણ તેમનું પ્રભુત્વ ઘટ્યું હતું. આજ કારણસર આપઘાત કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. ભૈયુજી મહારાજના મોતના ત્રણ દિવસ બાદ ઇન્દોર પોલીસે એવી શંકાને ફગાવી દીધી છે કે, ભૈયુજી મહારાજની હત્યા કરવામાં આવી હતી. હજુ સુધી પરિવારના સભ્યોની પુછપરછ મારફતે જે બાબત સપાટી ઉપર આવી છે તેનાથી આત્મહત્યાની જ બાબત ખુલી રહી છે. આપઘાત કરતા પહેલા ભૈયુજી મહારાજે બે પાનામાં આપઘાતની નોંધ લખી હતી જેમાં સંપત્તિની વાત પણ કરવામાં આવી રહી હતી. એમ માનવામાં આવે છે કે સમાજમાં દિનપ્રતિદિન ભૈયુજી મહારાજનો પ્રભાવ ઘટી રહ્યો હતો. પુછપરછનો સિલસિલો હજુ જારી રહે તેવી શક્યતા છે. ભૈયુજીના મોત બાદ પણ તેમના પત્નિ અને પુત્રી વચ્ચે ખેંચતાણની સ્થિતિ અકબંધ રહી છે.  ભૈયુજી મહારાજના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા ત્યારે પણ આપઘાતને લઇને લોકોમાં ચર્ચાઓ રહી હતી. અત્રે નોંધનીય છે કે, જાણિતા આધ્યાત્મિક ગુરુ અને સામાજિક કાર્યકર ભૈયુજી મહારાજે હાલમાં પોતાને ગોળી મારીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો હતો. તેમના સમર્થકોમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. ભૈયુજીએ ઇન્દોરના ખાંડવા રોડ સ્થિત પોતાના આવાસ ઉપર આપઘાત કરી લીધો હતો. ભૈયુજી મહારાજે આપઘાત કેમ કર્યો તેને લઇને પ્રશ્નોની શરૂઆત થઇ ગઈ હતી. ભૈયુજીએ પોતે પોતાના માથામાં ગોળી મારી લીધી હતી. ભૈયુજી મહારાજની આત્મહત્યાને લઇને એક નોંધ પણ મળી આવી હતી જેમાંથી જાણવા મળ્યું છે કે તેઓ ખુબ જ ટેન્શનમાં દેખાઈ રહ્યા હતા જેના કારણે તેઓએ આપઘાત કરી લીધો હતો. ભૈયુજી મહારાજે પોતાના માથામાં ગોળી મારી લીધા બાદ તેમને તરત જ ઇન્દોરની બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

તાજેતરમાં જ શિવરાજસિંહ સરકારે તેમને રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો. જો કે, મધ્યપ્રદેશ સરકારના આ પ્રસ્તાવને તેઓએ સ્વીકાર્યો ન હતો. ભૈયુજી શક્તિશાળી સંત પૈકીના એક હતા. તેમનું વાસ્તવિક નામ ઉદયસિંહ દેશમુખ હતી અને પિતા મહારાષ્ટ્રમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા. તેમનું નામ એ વખતે ચર્ચામાં આવ્યું હતું જ્યારે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દરમિયાન ભુખ હડતાળ ઉપર બેઠેલા અણ્ણા હજારને મનાવી લેવા માટે યુપીએ સરકારે તેમનો સંપર્ક કર્યો હતો. જ્યારે તેઓ નાની વયમાં હતા ત્યારે સિયારામ શૂટિંગ માટે પોસ્ટર મોડલિંગ કરી રહ્યા હતા. તલવારબાજી, ઘોડેસવારી અને ખેતીનું કામ પણ કરતા હતા. તેઓ ફેસ લીડર તરીકે પણ હતા. ભૈયુજીએ પ્રથમ પત્નિના મોત બાદ ગયા વર્ષે બીજા લગ્ન કર્યા હતા. ગયા વર્ષે ૩૦મી એપ્રિલના દિવસે આયુષી નામની મહિલા સાથે ભૈયુજીએ લગ્ન કરી લીધા હતા.

ભૈયુજીના સેવાદારને સંપત્તિ મળશે નહીં...

ભોપાલ, તા.૧૫ : ભૈયુજી મહારાજના આપઘાત બાદ તેમની સંપત્તિને લઇને ચર્ચાઓ ચાલી રહી હતી. વિનાયકને ટ્રસ્ટની કામગીરી માટેની જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ તેમને વારસદાર તરીકે ગણવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં સંપત્તિ ટ્રસ્ટના નામ ઉપર છે જેમાં ભૈયુજી હોદ્દેદાર પણ ન હતા. સેવાદાર વિનાયકને પોતાના ઉત્તરાધિકારી બનાવવાને લઇને ભૈયુજી સાથે જોડાયેલા લોકો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. સુત્રોના કહેવા મુજબ ભૈયુજીએ બે પાનાની નોંધ લખી હતી જેમાં વિનાયકને ટ્રસ્ટની કામગીરી જોવા માટે કહેવામાં આવ્યું હતું. તેમને પોતાના વારસ તરીકે ગણાવવામાં આવ્યા નથી. મોટાભાગની સંપત્તિ ટ્રસ્ટના નામ પર હોવાથી તેમને મળશે નહીં. કાયદાકીયરીતે તેમની પૈતૃક અને અંગત સંપત્તિના ઉત્તારાધિકારી માતા, પત્નિ અને પુત્રી છે. આ સંપત્તિ તેમને જ મળશે. વિનાયકની કોઇ ભુમિકા રહેશે નહીં.

(12:00 am IST)