Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

બ્રિટનમાં છેલ્લા સમયથી તબીબોની અછત નિવારવા ભારતીય તબીબો માટેના વીઝાના નિયમો સરળ બનાવાશેઃ બ્રિટિશ સરકારનો નિર્ણય

નવી દિલ્હીઃ બ્રિ‌ટિશ સરકારે ભારતીય તબીબો માટેના વિઝાના નિયમો ‍વધુ સરળ બનાવવાનો નિર્ણય કર્યો છે. બ્રિટનમાં છેલ્લા કેટલાક સમયથી તબીબોની અછત જોવા મળી રહી છે અને તેને ધ્યાનમાં લઈને સરકારે આવો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. આ અંગેની આગામી થોડા સમયમાં જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે.

બ્રિટનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા (એનએચએસ)માં તબીબોની ખૂબ જ અછત જોવા મળી રહી છે, જેના કારણે સરકારે ભારતમાંથી આવતા ડોકટરને આપવામાં આવતા વિઝાના નિયમો સરળ બનાવવાનો નિર્ણય લીધો છે.

અહેવાલમાં જણાવાયા અનુસાર અમેરિકાના ગૃહપ્રધાન સાજિદ જાવેદ આજે બ્રિટનની વાર્ષિક વિઝા મર્યાદાથી યુરોપીય યુનિયન (ઈયુ)ની બહારના દેશોના તબીબો અને નર્સને અલગ રાખવાની જાહેરાત કરશે અને આ મુદ્દે ચાલુ માસના અંત સુધીમાં નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે.

આ અંગેના નિર્ણયમાં બ્રિ‌ટિશ એસોસિયેશન ઓફ ફિઝિશિયન ઓફ ઈન્ડિયન ઓરિજિન (બીએપીઆઈઓ) સહિત દેશભરના હેલ્થ કેર સમૂહ પણ સામેલ છે.

બ્રિ‌ટિશ એસોસિયેશન ઓફ ફિઝિશિયન ઓફ ઈન્ડિયન ઓરિજિનના અધ્યક્ષે જણાવ્યું કે આ અંગેના નિર્ણયની જાહેરાત કરવામાં હજુ થોડો સમય લાગશે પણ અમને વિશ્વાસ છે કે તેમાં અમે સફળ થઈશું. બીએપીઆઈઓએએ આ યોજનાને ટાયર-૨ કેટેગરી નામ આપ્યું છે, જેમાં એવું અનુમાન થઈ રહ્યું છે કે ટાયર-૨ કેટેગરીમાં યુરોપિયન યુનિયન બહારના ૨૦,૭૦૦ ધંધાદારી લોકોને અથવા એક મહિનામાં મહત્તમ ૧૬૦૦ લોકોને જ રાખી શકાશે.

(12:00 am IST)