Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જમ્મુ-કાશ્મીરમાં સીમાંકન મુદ્દે મુસ્લિમ દેશોનું સંગઠન OIC એ વાંધો ઉઠાવ્યો :ભારતે લગાવી આકરી ફટકાર

સંગઠનને ઠપકો આપતા ભારતે કહ્યું -OIC એ કોઈ એક દેશના ઈશારે સાંપ્રદાયિક એજન્ડા ન ચલાવવો જોઈએ: જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે.

નવી દિલ્હી : ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) એ જમ્મુ અને કાશ્મીરમાં સીમાંકન સામે વાંધો ઉઠાવ્યો છે. સીમાંકન અંગે OIC દ્વારા અનેક ટ્વિટ કરવામાં આવી હતી. OICના મહાસચિવે તો તેને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. આ પછી ભારતે પણ ઈસ્લામિક દેશોના સંગઠનને ઠપકો આપતા કહ્યું કે OIC એ કોઈ એક દેશના ઈશારે સાંપ્રદાયિક એજન્ડા ન ચલાવવો જોઈએ. ભારતનો ઈશારો પાકિસ્તાન તરફ હતો.

આ વિષય પર પૂછવામાં આવેલા સવાલો પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, ‘અમને આશ્ચર્ય થાય છે કે OICએ ફરી એકવાર ભારતના આંતરિક મામલાને લઈને બિનજરૂરી ટિપ્પણી કરી છે.’ તેમણે કહ્યું કે અગાઉ પણ ભારત સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ- OICએ કાશ્મીર અંગેના નિવેદનોને ફગાવી દીધા છે. જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે.

OICના જનરલ સેક્રેટરી હિસેન બ્રાહિમ તાહાએ કહ્યું હતું કે તેઓ જમ્મુ-કાશ્મીરની જનસંખ્યામાં ફેરફારને લઈને ચિંતિત છે. આ જમ્મુ-કાશ્મીરના લોકોના અધિકારો સાથે છેડછાડ છે. તેમણે એક ટ્વિટમાં કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવ હેઠળ ત્યાંના લોકોને નિર્ણય લેવાનો અધિકાર છે.

જમ્મુ અને કાશ્મીર માટે રચાયેલ સીમાંકન પંચે પોતાનો અંતિમ રિપોર્ટ સોંપી દીધો છે. આ પછી જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનો રસ્તો પણ સાફ થઈ ગયો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર હવે જમ્મુ-કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકો હશે. 18 વિધાનસભા બેઠકો ધરાવતી એક લોકસભા બેઠક હશે. એટલે કે લોકસભાની કુલ 5 બેઠકો હશે.

(11:14 pm IST)