Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

તમામ મસ્જિદો પાછળ પડ્યા છે.પહેલા બાબરી અને હવે જ્ઞાનવાપી : આ લોકો ભગવાનને મસ્જિદોમાં જ કેમ શોધે છે? : મહેબુબા મુફ્તી

મહેબુબા મુફ્તીએ કહ્યું - કેન્દ્ર મસ્જિદનો મુદ્દો ઉઠાવીને મોંઘવારી અને બેરોજગારી જેવા મોટા મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે રાજનીતિ કરી રહ્યું છે.

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તી એ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ વિવાદને લઈને કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. પીડીપી નેતાએ કહ્યું કે કેન્દ્ર મસ્જિદનો મુદ્દો ઉઠાવીને મોંઘવારી અને બેરોજગારી જેવા મોટા મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે રાજનીતિ કરી રહ્યું છે. તેમણે પ્રશ્ન કર્યો કે આ લોકો ભગવાનને મસ્જિદોમાં જ કેમ શોધે છે?

સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે તેઓ અમારી તમામ મસ્જિદો પાછળ પડ્યા છે. પહેલા બાબરી અને હવે જ્ઞાનવાપી. તેમણે કહ્યું કે તમે (ભાજપ) અમને મસ્જિદોની યાદી આપો જેના પર તમારી નજર છે. તેણે પૂછ્યું કે શું જ્ઞાનવાપી પછી બધું સારું થઈ જશે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે દેશમાં વાતાવરણમાં બદલાવ લાવવાની જરૂર છે કારણ કે અંતર વધી રહ્યું છે. હિન્દુ મુસ્લિમોએ સાથે રહેવું જોઈએ. તેમણે કહ્યું કે લોકોમાં ગુસ્સો છે, પરંતુ તેઓ તેનો વિરોધ નથી કરી રહ્યા કારણ કે લોકોને લાગે છે કે જો તેઓ વિરોધ કરશે તો તેમની સામે કેસ નોંધવામાં આવશે.

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ભારતમાં 50 ટકા લોકો એ જોવા આવે છે કે અહીં મુઘલ શાસકોએ શું બનાવ્યું હતું અને બાકીના 50 ટકા લોકો કાશ્મીર જોવા આવે છે, પરંતુ ભાજપે પર્યટનને સંપૂર્ણપણે બરબાદ કરી દીધું છે. તેમની પાસે લોકોને આપવા માટે કંઈ જ બચ્યું નથી. દરમિયાન સોમવારે સતત ત્રીજા દિવસે પણ કોર્ટના આદેશ મુજબ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના સર્વે-વીડિયોગ્રાફીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ કૌશલ રાજ શર્માએ જણાવ્યું હતું કે સોમવારે બે કલાક અને 15 મિનિટથી વધુ સમય સુધી સર્વે કર્યા પછી કોર્ટ દ્વારા રચિત કમિશને તેનું કામ પૂર્ણ કર્યું.

સોમવારે વીડિયોગ્રાફીનું કામ પૂર્ણ થયા બાદ કેસમાં હિંદુ અરજદાર સોહન લાલ આર્યએ દાવો કર્યો હતો કે કમિશનને સર્વે દરમિયાન પરિસરમાં શિવલિંગ મળી આવ્યું હતું. શિવલિંગ મળવાના દાવા બાદ કોર્ટે આ જગ્યાને સીલ કરવાનો આદેશ જારી કર્યો છે. કોર્ટે જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ આપ્યો હતો કે જ્યાંથી શિવલિંગ મળી આવ્યું છે તે જગ્યાને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવે અને કોઈ વ્યક્તિને ત્યાં જવા દેવામાં ન આવે. બીજી તરફ મુસ્લિમ પક્ષે શિવલિંગ મેળવવાના દાવાને નકારી કાઢ્યો છે.

(8:08 pm IST)