Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

કાશ્મીરી પંડિતોની સુરક્ષાની વ્યવસ્થા કરો : કેજરીવાલની કરી કેન્દ્ર સરકારને અપીલ

રાહુલ ભટ્ટની હત્યા બાદ ત્યાં રહેતા તમામ કાશ્મીરી પંડિતો ડરી ગયા છે. કાશ્મીરી પંડિતોના પ્રદર્શન પર લાકડીઓ, ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવો ખોટું છે.

નવી દિલ્હી :કાશ્મીરી પંડિતોની હત્યાના વધી રહેલા મામલા પર રોજબરોજ રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. હવે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યાનો વીડિયો જાહેર કર્યો છે. તેમણે કેન્દ્ર સરકારને કાશ્મીરી પંડિતોની સુરક્ષાની વ્યવસ્થા કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે આજે આખો દેશ કાશ્મીરી પંડિતોની સુરક્ષાને લઈને ચિંતિત છે. કાશ્મીર તેમનું ઘર છે, તેઓ ત્યાં સ્થાયી થવા માંગે છે. રાહુલ ભટ્ટની હત્યા બાદ ત્યાં રહેતા તમામ કાશ્મીરી પંડિતો ડરી ગયા છે. કાશ્મીરી પંડિતોના પ્રદર્શન પર લાકડીઓ, ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવો ખોટું છે.

   કાશ્મીરી પંડિતોની સમસ્યાઓ ગણાવતા દિલ્હીના સીએમએ કહ્યું કે જે અધિકારીઓની બેદરકારીથી આવી ઘટનાઓ બની છે તેમને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ. આ રાજકારણ કરવાનો સમય નથી, કાશ્મીરી પંડિતોને સુરક્ષા આપવાનો સમય છે. કાશ્મીરી પંડિતોને સુરક્ષા જોઈએ છે, તેમનો પરિવાર ત્યાં સુરક્ષિત નથી અનુભવી રહ્યો. તેમણે કેન્દ્ર સરકારને પૂછ્યું કે કાશ્મીરી પંડિતો કોના ભરોસે તેમના ઘરે પાછા જશે? કાશ્મીરી પંડિતોની સુરક્ષાની વ્યવસ્થા કરવાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. આ માટે ગમે તેટલો ખર્ચ કરવો જોઈએ. અંતમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે આતંકવાદીઓ અને દેશના દુશ્મનોને બક્ષવામાં આવશે નહીં.

(6:29 pm IST)