Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ભારતમાં ૭.૫% પરિવારો પાસે પોતાની કાર છે

ગોવા પ્રથમ અને બિહાર છેલ્લુ

નવી દિલ્‍હી,તા.૧૬: નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે ૨૦૧૯-૨૧ (NFHS-5) રિપોર્ટ અનુસાર, ભારતમાં ૭.૫% પરિવારો પાસે પોતાની કાર છે. છેલ્લા ૪ વર્ષમાં આ સંખ્‍યામાં ૧.૫%નો વધારો થયો છે. વર્ષ ૨૦૧૮માં આ આંકડો ૬% હતો. રાજય મુજબ વાત કરીએ તો આ મામલામાં ગોવા પ્રથમ, કેરળ બીજા અને અવિભાજિત જમ્‍મુ-કાશ્‍મીર ત્રીજા સ્‍થાને છે. ગોવામાં ૪૫.૨% પરિવારો પાસે પોતાની કાર છે. આ આંકડો કેરળમાં ૨૪.૨% અને જમ્‍મુ-કાશ્‍મીરમાં ૨૩.૭% છે.

હિમાચલ પ્રદેશમાં ૨૨.૧% પરિવારો પાસે કાર છે, પંજાબમાં આ આંકડો ૨૧.૯% છે અને નાગાલેન્‍ડમાં ૨૧.૩% છે. સિક્કિમમાં ૨૦.૯% પરિવારો પાસે પોતાની કાર છે. આ મામલામાં પહાડી અને પૂર્વોત્તર રાજયો સૌથી આગળ છે. અરૂણાચલ પ્રદેશમાં ૧૯.૩%, મણિપુરમાં ૧૭.૦%, મિઝોરમમાં ૧૫.૫%, મેઘાલયમાં ૧૨.૯%, આસામમાં ૮.૧% પરિવારો પાસે કાર છે. જમ્‍મુ અને કાશ્‍મીર અને હિમાચલ પછી ઉત્તરાખંડના પહાડી રાજયોમાં ૧૨.૭% પરિવારો પાસે કાર છે.

દેશની રાજધાની દિલ્‍હીમાં ૧૯.૪% પરિવારો પાસે પોતાની કાર છે. હરિયાણામાં ૧૫.૩% પરિવારો પાસે કાર છે. વસ્‍તીની દ્રષ્ટિએ દેશના સૌથી મોટા રાજય ઉત્તર પ્રદેશમાં માત્ર ૫.૫૦% પરિવારો પાસે જ કાર છે. બિહારમાં સૌથી ઓછા પરિવાર પાસે પોતાની કાર છે. આ રાજયમાં માત્ર ૨.૦ ટકા પરિવારો પાસે પોતાની કાર છે. આ પછી ઓડિશાનો નંબર આવે છે. ઓડિશામાં ૨.૭% પરિવારો પાસે કાર છે.

પヘમિ બંગાળ અને આંધ્રપ્રદેશમાં ૨.૮%, ઝારખંડ ૪.૧%, મધ્‍યપ્રદેશ ૫.૩%, છત્તીસગઢ ૪.૩%, તેલંગાણા ૫.૨%, તમિલનાડુ ૬.૫%, કર્ણાટક ૯.૧%, મહારાષ્ટ્ર ૮.૭%, રાજસ્‍થાન ૮.૨% અને ગુજરાતમાં ૧૦.૯% ઘરોમાં પોતાની કાર છે. નેશનલ ફેમિલી હેલ્‍થ સર્વે એ એક વિગતવાર સર્વેક્ષણ પ્રક્રિયા છે જેના હેઠળ સરકાર દર બે વર્ષે ભારતીય પરિવારોના વિવિધ વિસ્‍તારોમાંથી ડેટા એકત્રિત કરે છે. તેના આધારે સરકાર પોતાની જનહિતની નીતિઓ અને યોજનાઓ બનાવે છે.

(10:47 am IST)