Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

કમાતી મહિલાને છૂટાછેડામાં ભરણપોષણ આપવું પડે : કોર્ટ

પત્‍નીને ભરણપોષણ માટે રકમ ચૂકવવાની પતિની ફરજ છે

મુંબઈ,તા. ૧૬: જીવન નિભાવના ખર્ચમાં વૃદ્ધિને પગલે કોઈ છૂટાછેડા લીધેલી મહિલા જો બે છેડા ભેગા કરવા માટે નોકરી કરતી હોય તો તેને ભરણપોષણની રકમની ચૂકવણી નકારી ન શકાય, એવો ચુકાદો મુંબઈ વડી અદાલતના ન્‍યાયમૂર્તિ એન.જે.જામદારે તાજેતરમાં આપ્‍યો હતો. છૂટાછેડાના કેસમાં કોલ્‍હાપુરના એડિશનલ સેશન્‍સ જજના પત્‍નીને ભરણપોષણ રૂપે  દર મહિને ત્રણ હજાર રૂપિયા ચૂકવવાના આદેશને પડકારતી પતિની અરજીને રદબાતલ કરતાં ન્‍યાયમૂર્તિ જામદારે ઉપરોક્‍ત ચુકાદો આપ્‍યો હતો.

આ કેસમાં સંકળાયેલાં દંપતીનાં લગ્ન  વર્ષ ૨૦૦૫ના મે મહિનામાં થયા હતા. વર્ષ ૨૦૧૨માં તેમના ઘરે પુત્રનો જન્‍મ થયો હતો. ત્‍યારપછીના વર્ષોમાં પત્‍નીએ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવીને  પતિ અને સાસરિયાં સામે મારઝુડ (ડોમેસ્‍ટિક વાયોલન્‍સ)નો કેસ કોર્ટમાં કર્યો હતો. વર્ષ ૨૦૧૫માં મેજિસ્‍ટ્રેટ્‍સ કોર્ટે અરજદાર પત્‍નીને પુત્રના નિભાવ માટે ૨૦૦૦ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્‍યો હતો. એ ચુકાદા સામે પત્‍નીએ સેશન્‍સ કોર્ટમાં અપીલ કરી હતી. એ અપીલ સ્‍વીકારતાં એડિશનલ સેશન્‍સ જજે પત્‍ની અને પુત્રને માટે પાંચ હજાર રૂપિયા ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્‍યો હતો.

કોલ્‍હાપુરના એડિશનલ સેશન્‍સ જજના ચુકાદાને પતિએ હાઈ કોર્ટમાં પડકાયો હતો. પતિએ પડકાર અરજીમાં જણાવ્‍યું હતું કે પત્‍ની ચાંદીની વસ્‍તુઓના કારખાનામાં નોકરી કરીને ગુજરાન ચલાવી શકે છે. તેથી એ બાબતને ધ્‍યાનમાં ન લઈને એડિશનલ સેશન્‍સ જજે ચુકાદો આપવામાં ભૂલ કરી છે. પતિના વકીલે કહ્યું હતું કે મેજિસ્‍ટ્રેટ કોર્ટમાં પણ પુછાયેલા સવાલોના જવાબોમાં પત્‍નીએ રોજના ૧૦૦થી ૧૫૦ રૂપિયા કમાતી હોવાનો દાવો કર્યો છે.

જસ્‍ટિસ જામદારે ૨૧ એપ્રિલે આપેલા ચુકાદામાં જણાવ્‍યું હતું કે ફક્‍ત પત્‍ની નોકરી કરે છે, એ મુદ્દે તેને ભરણપોષણ ન આપવું એવો નિર્ણય વાજબી નથી. રોજના ફક્‍ત ૧૦૦ કે ૧૫૦ રૂપિયા કમાતી હોવાનો મુદ્દો મેજિસ્‍ટ્રેટે  મહિલાની વિરુદ્ધ ગણવો જોઇતો નહોતો. આજના મોંઘવારીના વખતમાં ફક્‍ત પાંચ હજાર રૂપિયામાં  ઘર કેવી રીતે ચાલે? એ મહિલા છે અને નોકરી કરીને કમાય છે, એ મુદ્દે તેને ભરણપોષણની રકમની ચૂકવણી નકારી ન શકાય. પત્‍નીને ભરણપોષણ માટે રકમ ચૂકવવાની પતિની ફરજ છે. વળી ભરણપોષણની પાંચ હજાર રૂપિયાની રકમ પણ સાવ મામૂલી છે.

(10:22 am IST)