Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

હોઠ પર ચુંબન કરવું અને શરીરના અંગોને સ્‍પર્શ કરવો એ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૭ હેઠળ અકુદરતી શ્રેણીનો ગુનો નથી : બોમ્‍બે હાઇકોર્ટે

મુંબઈ,તા.૧૬:  બોમ્‍બે હાઈકોર્ટે જણાવ્‍યું છે કે હોઠ પર ચુંબન કરવું અને શરીરના અંગોને સ્‍પર્શ કરવો એ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૭ હેઠળ અકુદરતી શ્રેણીનો ગુનો નથી. સગીર છોકરાના જાતીય શોષણના આરોપીને જામીન આપતી વખતે કોર્ટે આ અવલોકન કર્યું હતું. જસ્‍ટિસ અનુજા પ્રભુદેસાઈએ કહ્યું કે, POCSOની કલમો હેઠળ આરોપીને મહત્તમ ૫ વર્ષની સજા થઈ શકે છે. તેથી તેને જામીન મેળવવાનો અધિકાર છે.

હાલના કિસ્‍સામાં, પ્રાથમિક દૃષ્ટિએ અકુદરતી સેક્‍સનો કેસ હોવાનું જણાતું નથી. એફઆઈઆર મુજબ, ૧૪ વર્ષના છોકરાના પિતાને તેમના અલમારીમાંથી કેટલાક પૈસા ગાયબ મળ્‍યા હતા. પૂછપરછ દરમિયાન, છોકરાએ પિતાને કહ્યું કે તેણે આરોપીને પૈસા આપ્‍યા હતા. તે ઓનલાઈન ગેમ રિચાર્જ કરવા મુંબઈના ઉપનગરમાં આરોપીની દુકાન પર જતો હતો.

છોકરાનો આરોપ છે કે એક દિવસ જયારે તે રિચાર્જ કરવા ગયો ત્‍યારે આરોપીએ તેના હોઠને ચુંબન કર્યું અને તેના અંગોને સ્‍પર્શ કર્યો. છોકરાના પિતાએ આરોપીઓ વિરુદ્ધ પ્રોટેક્‍શન ઓફ ચિલ્‍ડ્રન ફ્રોમ સેક્‍સ્‍યુઅલ ઓફેન્‍સ એક્‍ટની સંબંધિત કલમો અને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૭ હેઠળ એફઆઈઆર નોંધાવી હતી.

જામીનની તરફેણમાં દલીલો : IPCની કલમ ૩૭૭ હેઠળ મહત્તમ સજા આજીવન કેદ છે. આવી સ્‍થિતિમાં જામીન મુશ્‍કેલ છે, પરંતુ કોર્ટે આરોપીને જામીન આપતાં કહ્યું હતું કે છોકરાની મેડિકલ તપાસ તેના જાતીય શોષણના આરોપોની પુષ્ટિ કરતી નથી. તેથી તે જામીન માટે હકદાર છે. 

(10:01 am IST)