Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જંક ફૂડને નિયંત્રણ કરવાનો પ્રસ્તાવ મુલતવી: એક ફ્રીની ઓફરને પ્રતિબંધિત કરવાનું ટળ્યું

સરકારનો સ્વાસ્થ્ય વિભાગ તેનું વિશ્લેષણ કરશે. એ પછી આગળનો નિર્ણય જાહેર કરાશે

લંડન : બ્રિટનના સ્વાસ્થ્ય વિભાગે ડિસેમ્બર-૨૦૨૦માં શરીરને હાનિકારક જંક ફૂડ પર નિયંત્રણ મૂકવાના હેતુથી એક સાથે એક ફ્રીની ઓફરને પ્રતિબંધિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, વધુ એક વર્ષ માટે તેનો અમલ ટળી ગયો છે.

બ્રિટિશ સ્વાસ્થ્ય અને સમાજકલ્યાણ વિભાગે કોરોનાના હાહાકાર પછી ડિસેમ્બર-૨૦૨૦માં જંક ફૂડને નિયંત્રણ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

એ પ્રમાણે જે ખાદ્ય સામગ્રીમાં શરીરને હાનિકારક એવા પદાર્થો - ફેટ, સોલ્ટ અને સુગરની માત્રા વધારે હોય તેમાં એક સાથે એક ફ્રીની ઓફર બંધ કરવાની હતી. કોઈ પણ વેપારી જંક ફૂડમાં એક સાથે એક ફ્રીની ઓફર મૂકી શકે નહીં એવું આયોજન હતું. ઓફરના કારણે લોકો વધુ જંક ફૂડ - કોલ્ડ ડ્રિક્સ ખાવા-પીવા પ્રેરાય છે એવો તર્ક રજૂ થયો હતો.
મોટાપાને અંકુશમાં લાવવાના હેતુથી એપ્રિલ-૨૦૨૧થી તેનો અમલ થવાનો હતો, પરંતુ એ વખતે એક વર્ષ માટે તેનું અમલીકરણ પાછું ઠેલાયું હતું. હવે ફરીથી આ વર્ષે એક વર્ષ માટે પાછું ઠેલાયું છે. બ્રિટિશ સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે સરકારનો સ્વાસ્થ્ય વિભાગ તેનું વિશ્લેષણ કરશે. એ પછી આગળનો નિર્ણય જાહેર કરાશે. નિવેદનમાં કહેવાયું હતું કે વૈશ્વિક આર્થિક બદહાલી ચાલી રહી છે ત્યારે આ નિર્ણયથી કેવી અસર થશે તેનું મૂલ્યાંકન કરવું જરૃરી છે. જોકે, સરકાર આ નિર્ણય બાબતે ગંભીર હોવાનું બ્રિટિશ જાહેર સ્વાસ્થ્ય વિભાગના મંત્રી મેગી થ્રોપે કહ્યું હતું.

(11:04 pm IST)