Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

કેન્દ્ર સરકારનો ખેડૂતો પાસેથી ઘઉં ખરીદવાનીછેલ્લી તારીખ લંબાવવાનો મહત્વનો નિર્ણય

હવે પંજાબ અને હરિયાણામાં 31 મે સુધી જ્યારે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં 15 જૂન સુધી મોદી સરકાર ખેડૂતો પાસેથી ઘઉં ખરીદશે: ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં 15 જૂન સુધી તેમજ બિહારમાં 15 જુલાઈ સુધી, રાજસ્થાનમાં 10 જૂન સુધી અને ઉત્તરાખંડમાં 30 જૂન સુધી ઘઉં ખરીદશે

નવી દિલ્હી : આ વર્ષે ઘઉંની સરકારી ખરીદીમાં ઘટાડો થતાં સરકારની ચિંતા વધી છે. ગઈકાલે સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો, તેથી આજે ખેડૂતો પાસેથી ઘઉં ખરીદવાની છેલ્લી તારીખ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પંજાબ અને હરિયાણામાં 31 મે સુધી જ્યારે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં 15 જૂન સુધી મોદી સરકાર ખેડૂતો પાસેથી ઘઉં ખરીદશે.

સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી નવી તારીખો અનુસાર પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં 31 મે સુધી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં 15 જૂન સુધી ખેડૂતો સરકારને ઘઉં વેચી શકશે. એ જ રીતે, બિહારમાં 15 જુલાઈ સુધી, રાજસ્થાનમાં 10 જૂન સુધી અને ઉત્તરાખંડમાં 30 જૂન સુધી, સરકારે ખેડૂતો પાસેથી ઘઉં ખરીદવાનો નિર્ણય કર્યો છે. જુદા જુદા રાજ્યોમાં ઘઉંના ઉત્પાદનનો સમય અલગ હોવાને કારણે ખરીદીની છેલ્લી તારીખ પણ અલગ રાખવામાં આવી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકારે પહેલી એપ્રિલથી પંજાબ અને હરિયાણાના ખેડૂતો પાસેથી અને બાદમાં બાકીના ઘઉં ઉત્પાદક રાજ્યોના ખેડૂતો પાસેથી ઘઉં ખરીદવાનું શરૂ કર્યું. જો કે, 14 મે સુધીના ઉપલબ્ધ આંકડાઓ અનુસાર, કેન્દ્ર સરકાર અત્યાર સુધીમાં 195 લાખ ટનના અંદાજની સામે ખેડૂતો પાસેથી માત્ર 180 લાખ ટન ઘઉંની ખરીદી કરી શકી છે. આ ખરીદી ગયા વર્ષ (2021 – 22) કરતા ઘણી ઓછી છે, કારણ કે ગયા વર્ષે સરકારે ખેડૂતો પાસેથી 433 લાખ ટન ઘઉંની ખરીદી કરી હતી. જો કે, સરકાર સતત દાવો કરી રહી છે કે તેની પાસે ગરીબો માટે ચાલી રહેલી સરકારી યોજનાઓમાં આપવા માટે પૂરતા પ્રમાણમાં ઘઉં ઉપલબ્ધ છે.

સરકારના જણાવ્યા અનુસાર, આનું કારણ એ છે કે આ વર્ષે ઘણા ખેડૂતો તેમના ઘઉં સરકારને વેચવાને બદલે ખાનગી વેપારીઓને વેચી રહ્યા છે, કારણ કે તેમને નિયત MSP કરતા ઘણી સારી કિંમત મળી રહી છે. સરકારી અંદાજ મુજબ, ખાનગી વેપારીઓ ખેડૂતોને ઘઉં માટે રૂ. 21-24 પ્રતિ કિલો ચૂકવી રહ્યા છે, જ્યારે નિશ્ચિત MSP રૂ. 20.15 પ્રતિ કિલો છે. ખાસ કરીને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાં ખેડૂતોને ઉંચા ભાવ મળી રહ્યા છે.

 

(9:53 pm IST)