Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

કોરોના રસીકરણના સંબંધમાં પીએમ સામે પોસ્ટર લગાવાયા

પોસ્ટર મામલે દિલ્હીમાં ૨૫ એફઆઈઆર દાખલ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી તમે બાળકોની વેક્સિન વિદેશ કેમ મોકલી, મારી પણ ધરપકડ કરો : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો પડકાર

નવી દિલ્હી, તા. ૧૬ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટર લગાવવાના મામલામાં દિલ્હી પોલીસે ૨૫ એફઆઈઆર દાખલ કરતા ૨૫ લોકોની ધરપકડ કરી છે. આ પોસ્ટર કોરોના રસીકરણના સંબંધમાં પીએમ વિરુદ્ધ લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં લખ્યું હતું- મોદીજી અમારા બાળકોની વેક્સિન વિદેશ કેમ મોકલી. આવા પોસ્ટર શહેરમાં અનેક જગ્યાએ લગાવવામાં આવ્યા હતા.

આ ઘટનાક્રમને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પીએમ નરેન્દ્ર મોદીને પડકાર આપતા કહ્યુ કે, મોદીજી તમે બાળકોની વેક્સિન વિદેશ કેમ મોકલી, મારી પણ ધરપકડ કરો.

દિલ્હી પોલીસના અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે, આ પોસ્ટર શહેરના ઘણા ભાગમાં લગાવવામાં આવ્યા હતા. તેમાં લખ્યું હતું- મોદીજી અમારા બાળકોની વેક્સિન વિદેશ કેમ મોકલી દીધી?

તેમણે કહ્યું કે, ગુરૂવારે પોલીસને પોસ્ટરો વિશે સૂચના મળી. ત્યારબાદ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. આ ફરિયાદોના આધાર પર દિલ્હી પોલીસે લોક સેવક દ્વારા જારી આદેશનું ઉલ્લંઘન કરવા સંબંધિત આઈપીસીની કલમ ૧૮૮ હેઠળ વિભિન્ન જિલ્લામાં ૨૫ એફઆઈઆર દાખલ કરી કાર્યવાહી કરી છે.

(9:41 pm IST)