Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

ગુજરાતના સાગરકાંઠે ૧૫ હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું: કુલ ૧.૫૦ લાખનું સ્થળાંતર કરાશે: વાવાઝોડું વેરાવળથી ૬૦૦ કિલોમીટર દૂર છે: ૧૫ જિલ્લામાં ૭૦થી ૧૭૫ કિલોમીટરની ઝડપે વાવાઝોડું ફુંકાશે: 24 કલાકમાં વાવાઝોડું અતિ ગંભીર સ્વરૂપ પકડશે: સૌરાષ્ટ્રના અનેક ગામો-શહેરોમાં રાત્રે આઠ આસપાસ વાવાઝોડાની જોરદાર ઝલક જોવા મળી: રાજકોટમાં ખતરનાક સૂસવાટા ચાલુ : એનડીઆરએફની ૪૪ ટીમો ખડે પગે

રાજકોટ : તૌકતે વાવાઝોડાની તીવ્ર અસર ગુજરાતના દરિયાકિનારે થવાની સંભાવના હોવાથી વહીવટી તંત્રએ 1.50 લાખ લોકોનું સ્થળાંતર કરવાનું નક્કી કર્યું છે. આ વાવાઝોડું 17મીએ ગુજરાતના દરિયાકિનારે પહોંચશે. અત્યાર સુધીમાં 15000 લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું  છે. હાલ વેરાવળથી 600 કિલોમીટર દૂર છે.

18મી મે ના રોજ સંભવિત અસરગ્રસ્ત 15 જિલ્લામાં 70 થી 175 કિલોમીટર પવનની ગતિ રહેવા સંભવ છે. રેસ્ક્યુ કામગીરી માટે સબંધિત જિલ્લામાં 44 એનડીઆરએફની ટીમ ફાળવવામાં આવી છે. આશ્રયસ્થાનો પર કોવિડની ગાઇડલાઇન પ્રમાણે નાગરિકોનું સ્થળાંતર કરાશે.

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા ‘‘તૌકતે’’ સંદર્ભે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ વાવાઝોડુ દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ 600 કિલોમીટર દૂર છે જેની ગતિની તીવ્રતા આગામી 24 કલાકમાં વધવાની સંભાવના છે. વાવાઝોડુ પોરબંદર અને ભાવનગર તરફ પ્રોજેક્ટ થયેલું જણાય છે. જે 17મી મેના રોજ ગુજરાતના દરિયાકિનારે પહોંચે તેવી સંભાવના છે.

17મીએ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જયારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. 17 અને 18મી મેના રોજ પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડામાં 70 થી 175 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાય તેવા સંભાવના છે.

સંભવિત અસર થનાર જિલ્લાઓમાં જિલ્લાકક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરીને સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સલામતિના પગલાંરૂપે નાગરિકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચનાઓ આપી દેવાઈ છે અને જરૂર જણાય ત્યાં કોવિડ પ્રોટોકોલ મુજબ સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આજે બપોર સુધીમાં દક્ષિણ અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, રાજકોટ, મોરબી, નવસારી પોરબંદર, સુરત, વલસાડ અને બોટાદ મળી કુલ 17 જિલ્લામાં 15000થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

સ્થળાંતર માટે NDRFની 20 ટીમ સૌરાષ્ટ્ર અને કચ્છ ખાતે, ચાર ટીમ દક્ષિણ ગુજરાતમાં અને વધારાની 15 ટીમ હવાઈ માર્ગે મંગાવાઈ છે. એટલુ જ નહીં પાંચ NDRFની ટીમો રિઝર્વ રાખવામાં આવી છે એટલે કે NDRFની 45 ટીમ રેસ્કયુ કામગીરી માટે ફાળવવામાં આવી છે. આ ઉપરાંત 6 SDRFની ટીમો પણ ડિપ્લોય કરી દેવાઈ છે.

પંકજકુમારે કહ્યું હતું કે માછીમારોને પાંચ દિવસ માટે દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને મરીન પોલીસ તથા કોસ્ટગાર્ડને દરિયામાં રહેલ માછીમારોની બોટોને પરત બોલાવવા જરૂરી સૂચનાઓ આપી છે. અત્યાર સુધીમાં 1977 બોટ પરત આવી ગઈ છે. મીઠાના અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.

(8:37 pm IST)
  • કેન્દ્રીય હોમ મીનીસ્ટર અમીત શાહની રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છના તમામ કલેકેટરો તથા ઍડી. કલેકટર સાથે વાવાઝોડા અંગે ખાસ વીસી યોજાઇ : રાજકોટ શહેર જિલ્લાની તમામ કોવિડ હોસ્પિટલમાં વિજ પુરવઠો જાળવી રાખવા ઓકસીજન લાઇન નો પુરવઠો જાળવી રાખવા આદેશો : દરેક હોસ્પીટલ ખાતે જીઇબીની ટીમ મુકાશે : રાજકોટ જીલ્લાના ઉપલેટા, ધોરાજી, ગોંડલ અને જેતપુર પંથકના નીચાણ વાળા તમામ વિસ્તારોમાંથી અંદાજે ર૦૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરવા અંગે કાર્યવાહી શરૂ : ગ્રામ્યવિસ્તારમાં પણ જયાં પાણી વધુ ભરાતા હોય ત્યાંથી પણ સ્થળાંતર કરાશે : કલેકટરે દરેક મામલદાર પ્રાંત અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસરો, ડીટીઓ વિગેરેને ઝડપી કાર્યવાહીના નિર્દેશો આપ્યા access_time 1:51 pm IST

  • અમદાવાદમાં સીબીઆઈનો સપાટો: સેન્ટ્રલ ડ્ગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલનાં બે મેડિકલ ઓફિસર પરાગ ગૌતમ અને આર.મોહન સાડા ત્રણ લાખની લાંચ લેતા ઝડપાયા: ઘરે દરોડા પાડી રપ લાખની રોકડ કબજે લીધી : સીડીએસસીઓ કચેરીનાં બે અધિકારી સીબીઆઈની ઝપટે ચડયા છે. એક ફાર્માસ્યુટિકલ કંપની પાસે લાંચ માગી હતી. બંને અધિકારીઓને ત્યાં સીબીઆઇએ દરોડા પાડી વધુ રૂ.૨પ લાખની રોકડ રકમ જપ્ત કરી છે. પરાગ ગૌતમ અને આર.મોહનની ધરપકડ પણ થઈ હોવાનું મંતવ્ય ચેનલ નોંધે છે. બંને સામે ગાંધીનગર ગુનો નોંધાયો છે. એક અધિકારીને ત્યાંથી ૧૪ લાખની રોકડ અને બીજા અધિકારીનાં ઘરેથી ૧૧ લાખની રોકડ રકમ મળી આવી છે. access_time 4:59 pm IST

  • અત્યારે સાંજે વાવાઝોડું તૌકતે દીવથી ૪૭૦ કિલો મીટર દક્ષિણ દક્ષિણ-પૂર્વમાં પહોંચ્યું છે: હવામાન તંત્ર access_time 6:33 pm IST