Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

બિહારમાં લોકડાઉન ૨૫ સુધી લંબાવાયું, નિયમોમાં ફેરફાર

શહેરી-ગ્રામીણમાં દુકાન ખોલવાનો સમય બદલાયો : બિહારમાં વધુ કડક પ્રતિબંધો થયા, લગ્નમાં ૨૦ લોકોને મંજૂરી, લોકડાઉનની નવી ગાઈડલાઈન્સ આજથી લાગુ

પટણા,તા.૧૬ : કોરોના સંકટ વચ્ચે બિહારમાં લોકડાઉન ૨૫ મે સુધી કરવામાં આવ્યું છે. લોકડાઉન માટે નવી માર્ગદર્શિકા ૧૬ મેથી એટલે કે આજથી જારી કરવામાં આવી છે. આમાં ઘણા નિયમો પણ બદલાયા છે. હવે ફક્ત ૨૦ લોકો જ લગ્ન સમારોહમાં ભાગ લઈ શકશે.

          લગ્નમાં બેન્ડ-બાજાને મંજૂરી આપવામાં આવશે નહીં. પહેલાની જેમ તમામ સામાજિક, રાજકીય, મનોરંજન, રમતગમત અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. અન્ય તમામ પ્રતિબંધો પહેલાની જેમ અમલમાં રહેશે. બીજી તરફ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં દુકાનો ખોલવાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવી લોકડાઉન ગાઈડલાઈન્સ મુજબ શાકભાજી, ઇંડા, માંસ, માછલીની દુકાનો શહેરી વિસ્તારમાં સવારે ૧૦ વાગ્યા સુધી જ ખુલશે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં દિવસના ૧૨ વાગ્યા સુધી દુકાનો ખુલશે. આવશ્યક સેવાઓ સિવાયની તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે. સોમવાર અને ગુરુવારે સવારે ૬થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ખેડુતો માટે બીજ અને ખાતરની દુકાનો ખુલશે. જ્યારે લિચી અને કેરીના બોક્સ બનાવવા માટે મર્યાદિત સંખ્યામાં મીલોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. લોકડાઉનની અસર અને તેને આગળ ધપાવવાની જરૂરિયાત અંગે બિહાર સરકારે તમામ જિલ્લાઓ પાસેથી ફીડબેક માંગ્યા હતા. લોકડાઉન વધારવા તમામ જિલ્લાઓનો પ્રતિસાદ મળ્યા બાદ સરકાર દ્વારા લોકડાઉન લંબાવામાં આવ્યું હતું. જાહેર સ્થળોએ ટ્રાફિક કોઈપણ કારણ વિના સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે, ચાલવું પણ પ્રતિબંધિત છે. રેસ્ટોરાં અને ખાણીપીણીની સ્ટોલ્સ બંધ રહેશે, હોમ ડિલિવરી સવારે ૯ થી રાત્રે ૯ વાગ્યા સુધી કરી શકાશે.

(7:33 pm IST)