Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

રાજ્યોને કોરોનાના સાચા આંકડા આપવા, ગામો પર ધ્યાન કેન્દ્રીત કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો નિર્દેશ

વડાપ્રધાને દિલ્હીમાં ઉચ્ચસ્તરિય બેઠક યોજીને કોરોનાની સમીક્ષા કરી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાઈ-પોઝિટિવિટીવાળા વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવા, ડોર-ટૂ-ડોર ટેસ્ટિંગ અને સર્વેલાન્સ ઉપર ફોકસ કરવાના પણ નિર્દેશ આપ્યા

નવી દિલ્હી, તા. ૧૫ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રમાણે સ્થાનીક સ્તર પર કન્ટેઈન્મેન્ટની રણનીતિથી કોવિડ-૧૯ સંક્રમણની ચેન તોડી શકાય છે. તેમણે શનિવારે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં અધિકારીઓને આ દિશામાં કામ કરવાનું કહ્યું. પીએમ મોદીએ કહ્યુ કે, જે રાજ્યોના જિલ્લામાં પોઝિટિવિટી રેટ વધુ છે, ત્યાં આ રીત અપનાવવી પડશે. પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) તરફથી મળેલી જાણકારી અનુસાર, પીએમ મોદીએ હાઈ-પોઝિટિવિટીવાળા વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવાના પણ નિર્દેશ આપ્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે, આરટી-પીસીઆર અને રેપિડ ટેસ્ટ્સ દ્વારા ટેસ્ટિંગ ઝડપી કરવામાં આવે. તેમણે અધિકારીઓને કહ્યું કે, તે રાજ્યોને કોઈપણ દબાવ વગર મહામારીના સાચા આંકડા સામે રાખવા માટે પ્રોત્સાહિત કરે. પીએમે ગ્રામીણ વિસ્તારમાં સ્વાસ્થ્યની સુવિધાઓ સારી કરવા પર ભાર આપ્યો અને કહ્યું કે, ત્યાં ડોર-ટૂ-ડોર ટેસ્ટિંગ અને સર્વેલાન્સ પર ફોકસ કરવું જોઈએ.

પ્રધાનમંત્રી મોદીએ આશા અને આંગણવાડી વર્કરોને જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે. ગ્રામીણ વિસ્તારમાં હોમ આઇસોલેશન અને ટ્રીટમેન્ટ માટે સરળ ભાષામાં ચિત્રોની સાથે ગાઇડલાઇન ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, ગ્રામીણ વિસ્તારમાં ઓક્સિજનની સપ્લાય નક્કી કરવા માટે એક ડિસ્ટ્રીબ્યૂશન પ્લાન તૈયાર કરવામાં આવે, જેમાં ઓક્સિજન કન્સન્ટ્રેટરની પણ જોગવાઈ હોય.

મોદીએ કેટલાક રાજ્યોમાં ધૂળ ખાઈ રહેલા વેન્ટિલેટર્સના રિપોર્ટો પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે તત્કાલ કેન્દ્ર સરકાર તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલા વેન્ટિલેટર્સના ઇન્સ્ટોલેશન અને ઓપરેશનને ઓડિટ કરવાનું કહ્યું છે.

પીએમને જાણકારી આપવામાં આવી કે દેશમાં કોરોના ટેસ્ટિંગ માર્ચની શરૂઆતી દિવસોમાં ૫૦ લાખ પ્રતિ સપ્તાહ હતી તે હવે ૧.૩ કરોડ પ્રતી સપ્તાહ થઈ ગઈ છે. અધિકારીઓએ ઘટતા ટેસ્ટ પોઝિટિવિટી રેટ અને વધતા રિકવરી રેટથી પણ પીએમ મોદીને માહિતગાર કરાવ્યા. વેક્સિનેશનની પ્રક્રિયા વિશે પીએમ મોદીને અપડેટ આપવામાં આવ્યું. આગળ કઈ રીતે વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેના રોડમેપ પર પણ ચર્ચા કરવામાં આવી. પીએમ મોદીએ અધિકારીઓને કહ્યુ કે, રાજ્યોની સાથે મળી વેક્સિનેશનની ગતિ વધારવા પર કામ કરે.

(12:00 am IST)