Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

સોમવારથી અર્થતંત્રની ગાડી પાટે ચડશે

લોકડાઉન ૪.૦નું કાઉન્‍ટડાઉન શરૂ : આજે સરકાર ગાઇડલાઇન્‍સ જારી કરશે : લોકડાઉન ૩૦મી સુધી લંબાવાય તેવી શક્‍યતા : ગ્રીન ઝોન - ઓરેન્‍જ ઝોનમાં મળશે ઘણી બધી છૂટછાટો : માત્ર કન્‍ટેનમેન્‍ટ ઝોનમાં જ નિયંત્રણો રહેશે : સાફ - સફાઇ - સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ - માસ્‍ક ફરજીયાત : દુકાનો ખોલી શકાશે કદાચ ઓડ ઇવનનો નિયમ લાગુ થાય : ટ્રાન્‍સપોર્ટ, હવાઇ, બસ સેવામાં રાહતની આશા : સિનેમા - મોલ - શાળા - કોલેજો બંધ જ રહેશે : હોટલો ખુલશે : માત્ર હોમ ડીલીવરી

નવી દિલ્‍હી, તા. ૧૬ :. લોકડાઉન ૪.૦ના કાઉન્‍ટડાઉનનો પ્રારંભ થયો છે. આજે કેન્‍દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આ અંગેની ગાઈડલાઈન્‍સ બહાર પાડવામા આવી રહી છે. વિવિધ રાજ્‍યોએ કરેલી ભલામણ અનુસાર લોકડાઉનના ચોથા ચરણમાં આર્થિક પ્રવૃતિઓ ધમધમતી થઈ જશે એ નક્કી છે. લોકડાઉનના અત્‍યાર સુધીના તબક્કા દરમિયાન જે જે ક્ષેત્રોમાં કામકાજ અત્‍યાર સુધી ઠપ્‍પ હતુ તેઓને ચોથા ચરણમાં રાહત મળી શકે છે. અનેક રાજ્‍યો તરફથી કન્‍ટેઈન્‍મેન્‍ટ ઝોનમાં કડકાઈ સાથે રેડ ઝોનમાં પણ આર્થિક ગતિવિધિ શરૂ કરવા કેન્‍દ્રએ જણાવ્‍યુ છે. આ દરમિયાન રોટેશન, ઓડઈવન ફોર્મ્‍યુલા, ઓછી ઉપસ્‍થિતિ, સમય મર્યાદા નક્કી કરવાની સાથે કામ, સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ અને સ્‍વાસ્‍થ્‍ય પ્રોટોકોલનુ કડકથી પાલન કરવા જેવા નિયમો આવી શકે છે. મોટાભાગના રાજ્‍યોએ સંપૂર્ણ છૂટની વકાલત કરી નથી તેથી જે રાહતો મળશે તે શરતો સાથે હશે. લોકોની રોજીરોટી ચાલુ થાય, અર્થતંત્રની ગાડી પાડે ચડે અને કોરોના પણ નિયંત્રણ રહે તે પ્રકારે હશે લોકડાઉન ૪.૦ તેવુ જાણવા મળે છે. સોમવારથી દુકાનો ખુલે તેવી જાહેરાત થાય તેવી સંભાવના છે. જો કે મોલ, શૈક્ષણિક સંસ્‍થાઓ, સિનેમા, ધાર્મિક મેળાવડા, સામુહિક ગેધરીંગ વગેરે ઉપર પ્રતિબંધ ચાલુ રહેશે. ટ્રાન્‍સપોર્ટ, હવાઈ અને બસ સેવાની આશા છે. ગ્રીન ઝોન અને ઓરેન્‍જ ઝોનમાં ઘણી બધી છૂટછાટો મળશે તેવુ જાણવા મળે છે.કેટલાક રાજ્‍યોએ કેન્‍દ્રને જણાવ્‍યુ છે કે સુરક્ષિત વિસ્‍તારોમાં દુકાનો ઓડઈવન ફોર્મ્‍યુલાથી ખોલવાની મંજુરી મળે કે જેથી ભીડ એકઠી ન થાય. આ માટે ૧૪૪મી કલમ લાગુ રાખવા જણાવાયુ છે. ગઈકાલે ગૃહમંત્રી શાહના નેતૃત્‍વમાં ગૃહ ખાતામાં એક બેઠક યોજાઈ હતી અને તેમા રાજ્‍યોએ કરેલા સૂચનો પર ૫ કલાક સુધી ચર્ચા ચાલી હતી.

 લોકડાઉનનો ત્રીજો તબક્કો આવતીકાલે પુરો થઈ રહ્યો છે. એ બાબતના સંકેત મળે છે કે લોકડાઉન હટશે નહિ અને તે ૩૦મી સુધી લંબાશે પરંતુ તેમા વધુ છૂટછાટો આપવામાં આવશે. ચોથા ચરણમાં ગ્રીન ઝોનમાં સંપૂર્ણ છુટ આપવાનો નિર્ણય લેવાશે. હોટસ્‍પોટ નક્કી કરવાનો અધિકાર રાજ્‍યોને આપવામાં આવશે. રેડ ઝોનમાં સલુન, વાળંદની દુકાન, ચશ્‍માની દુકાનો પણ ખોલવાની પરવાનગી મળી શકે છે.

પંજાબ, બંગાળ, મહારાષ્‍ટ્ર, આસામ અને તેલંગણાએ લોકડાઉન ચાલુ રાખવાની કેન્‍દ્રને ભલામણ કરી છે. જ્‍યારે બાકીના રાજ્‍યોએ છૂટછાટની માંગણી કરી છે. ચોથા ચરણમાં ટ્રાન્‍સપોર્ટ, હવાઈ અને બસ સેવામાં રાહત આપવામાં આવે તેવી શકયતા છે. હોટલો પણ ખોલવાની મંજુરી મળશે પરંતુ હોમ ડીલીવરી પુરતી જ સિમીત રહેશે. દિલ્‍હી, કર્ણાટક, આંધ્ર, કેરળ, ગુજરાત વગેરે રાજ્‍યો આર્થિક પ્રવૃતિ શરૂ કરવા માગે છે.

ગૃહ મંત્રાલયના જણાવ્‍યા પ્રમાણે રાહતો અપાશે પરંતુ સાફસફાઈ, માસ્‍ક, સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગ વગેરે ફરજીયાત બનશે. ગ્રીન અને ઓરેન્‍જ ઝોનમાં ઓટો અને ટેકસી પણ ચલાવવાની મંજુરી મળે તેવી પણ શકયતા છે. અત્રે એ નોંધનીય છે કે, અનેક રાજ્‍યોએ એવી ભલામણ કરી છે કે લોકડાઉન ભલે ચાલુ રહે પરંતુ દિશા-નિર્દેશો નક્કી કરવાની સત્તા અમને મળે. ગુજરાત સરકારે લોકડાઉનને ખોલવા અને પ્રભાવિત વિસ્‍તારોમાં નિયંત્રણો ચાલુ રાખવા ભલામણ કરી છે. મધ્‍યપ્રદેશે સરકારી ઓફિસો ખોલવાની મંજુરી માગી છે. મહારાષ્‍ટ્રએ ૩૧મી સુધી લોકડાઉન લંબાવવા કહ્યુ છે. બિહારે લોકડાઉનના પક્ષમાં જણાવ્‍યુ છે. કર્ણાટકના મુખ્‍યમંત્રીએ રાહતોની માંગણી કરી છે. છત્તીસગઢના મુખ્‍યમંત્રીએ કન્‍ટેન્‍મેન્‍ટ ઝોનને બાદ કરતા બધી છૂટછાટની માંગણી કરી છે.

આવતીકાલે લોકડાઉનના ૫૪ દિવસ પુરા થવાના છે ત્‍યારે કેન્‍દ્ર ઉપર આર્થિક બાબતોનું દબાણ પણ વધ્‍યુ છે. ઉદ્યોગ-ધંધા ફરી શરૂ કરવા દબાણ થયુ છે ત્‍યારે લોકડાઉન ૪.૦મા સરકાર અર્થવ્‍યવસ્‍થાને ધ્‍યાનમાં રાખી ઘણી રાહતો આપશે તે નક્કી છે.

(11:16 am IST)