Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

મજૂર કાયદા સ્થગિત કરવા અંગે ટ્રેડ યુનિયનનો વિરોધ : 22મીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત

મામલો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનમાં લઇ જવા પણ નિર્ણંય

 

નવી દિલ્હીઃ દેશભરના ટ્રેડ યુનિયનોએ મજૂર કાયદો સ્થગિત કરવાના વિરોધમાં આગામી 22મી મેના રોજ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. કોરોના વાયરસની મહામારીને રોકવા માટે ભારતમાં ચાલી રહેલા દેશવ્યાપી લોકડાઉનથી કરોડો પરપ્રાતીય શ્રમિકો- મજૂરોની સ્થિતિ અત્યંત કફોડી થઇ ગઇ છે અને પોતાના ઘરે પરત જવા માટે વલખાં મારી રહ્યા છે. તે ઉપરાંત મામલાને ઇન્ટરનેશનલ લબેર ઓર્ગેનાઇઝેશનમાં લઇ જવાનો પણ નિર્ણય લાયો છે.

સરકાર દ્વારા લેબર એક્ટમાં સંશોધન, પાવર એક્ટ-2020 એમેન્ડમેન્ટ અને કામકાજના કલાકો 8થી વધારીને 12 કલાક કરવાના પ્રસ્તાવ વિરુદ્ધ ટ્રેન યુનિયન સંગઠનો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.

'સેન્ટ્રલ ટ્રેડ યુનિયન (સીટીયુ)ના સંયુક્ત પ્લેટફોર્મ પર 14મી મે, 2020ના રોજ મળેલી તેમની બેઠકમાં લોકડાઉન સમયગાળા દરમિયાન દેશમાં કામકાજ કરતા શ્રમિકો-મજૂરો-કામદારોની કફોડી પરિસ્થિતિની નોંધ લીધી અને પડકારને પહોંચી વળવા સંયુક્ત પગલાં લેવાનો નિર્ણય કર્યો છે એવું 10 ટ્રેડ યુનિયનોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે. સંયુક્ત પ્લેટફોર્મે આગામી 22મી મે, 2020ના રોજ સરકારના કામદારો અને લોકો વિરોધી પ્રસ્તાવ સામે દેશવ્યાપી વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.

ઉત્તરપ્રદેશની સરકારે મજૂર કાયદો સ્થગિત કરી દીધો છે, જ્યારે મધ્યપ્રદેશે આર્થિક પ્રવૃત્તિઓને ઉત્તેજના આપવા માટે લોકડાઉન વચ્ચે કેટલાક નિયમો બનાવ્યા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, ગુજરાત, ત્રિપુરા સહિત ઘણા રાજ્યો પણ તેનું અનુકરણ કરી શકે છે.

સેન્ટ્રલ ટ્રેડ યુનિયને સંદર્ભમાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનને સંયુક્ત રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે મજૂર કાયદા સ્થગિત કરવાથી લેબર લો અને અને માનવાધિકાર અંગેના આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન થાય છે.

(10:55 pm IST)