નવીદિલ્હીઃ દેશમાં ૧૬મી લોકસભાનું પરિણામ આજે ૧૬મે ૨૦૧૪ના રોજ આવેલ અને નરેન્દ્રભાઈ મોદી નામની સુનામીમાં ૩૦ વર્ષ બાદ પૂર્ણ બહુમતીની સરકાર સ્થપાઈ હતી. દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી મોદી- મોદીના નારા લાગ્યા હતા અને તમામ જગ્યાએ કમળ ખીલ્યુ હતું.
લોકસભા ૨૦૧૪ની ચૂંટણી ૭ એપ્રીલ થી ૧૨ મે સૌથી લાંબી યોજાયેલ ચૂંટણી પણ હતી. બદલાવની આશા સાથે ૬૬.૩૮ ટકા જેવું જબ્બર મતદાન દેશવાસીઓએ કર્યુ હતું.
ચોંકવનારી વાતએ હતી કે ૧૬મેના રોજ મતગણતરીમાં ભાજપે એકલા હાથે જે બહુમતિનો આંકડો સર કરી લઈ ૨૮૨ બેઠકો મેળવી હતી. જયારે એનડીએને કુલ ૩૩૬ બેઠકો મળી હતી. કોંગ્રેસે ૪૪ બેઠકો સુધી સીમિત રહી ગઈ હતી. જયારે કોંગ્રેસ નેતૃત્વ વાળા ગઠબંધન યુપીએને ફકત ૫૯ બેઠકો મળી હતી. કોંગ્રેસને એટલી બેઠકો પણ ન મળી કે જેથી તે મુખ્ય વિરોધ પક્ષ પણ બની શકે. મુખ્ય વિરોધ પક્ષ બનવા ૧૦ ટકા (૫૪) બેઠકો મેળવવી જરૂરી છે.
લોકસભામાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપની પ્રચંડ જીતથી અમેરિકાને પણ વિચારવા મજબુર થવું પડેલ. ગોધરા કાંડમાં નરેન્દ્રભાઈની ભૂમિકાને લઈને જે અમેરિકાએ તેમને વિઝા આપવાની મનાઈ કરી હતી. તે જ મોદી માટે જગત જમદારે લાલ જાજમ બીછાવવી પડી હતી અને અમેરિકાએ જાહેરાત કરેલ કે તેઓ મોદી સાથે મળીને કામ કરવા તૈયાર છે. વિશ્વ આખાને વિશ્વાસ ન હતો કે નરેન્દ્ર મોદી બહુમતની સરકાર બનાવશે.
૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ ૨૮૨, કોંગ્રેસને ૪૪, અન્નાદ્રમુકને ૩૭, બીજદને ૨૦, ટીડીપીને ૧૬, તૃણમૃલ કોંગ્રેસને ૩૪, શિવસેનાને ૧૮, ટીઆરએસને ૧૧ તથા સીપીઆઈ (એમ)ને ૯ બેઠકો મળી હતી. જયારે એનસીપીને ૬, સપાને ૫, આપને ૪, શિરોમણી અકાલી દળને ૫ તથા અપના દળે બે બેઠકો હાંસલ કરેલ.
૧૦ વર્ષથી સત્તામાં રહેલ કોંગ્રેસ એન્ટી ઈન્કમબસી ફેકટર સામે ઝઝુમી રહી હતી. યુપીએ સરકારમાં થયેલ કૌભાંડોને ભાજપે મુખ્ય મુદ્રો બનાવ્યો હતો અને ૨૦૧૧માં અન્ના હઝારેના આંદોલનથી જનતામાં રાજનીતિક ચેતના જગાવી મૂકી હતી અને ત્યારથી જ યુપીએ સરકારથી લોકો વિમુખ થવા લાગ્યા હતા.
નેતૃત્વ અંગે પણ ગડમથલમાં ચાલી રહેલ કોંગ્રેસ ઉપર ભાજપે વધુ દબાણ નાખતા ૧૦ જુન ૨૦૧૩ના રોજ વડાપ્રધાન પદ માટે નરેન્દ્રભાઈના નામની જાહેરાત કરી આક્રમક પ્રચાર શરૂ કરી દીધો હતો. મોદીએ વિકાસના ગુજરાત મોડલ અંગે રેલીઓમાં જણાવવાનું શરૂ કર્યુ.
નરેન્દ્રભાઈ લોકોની નસ પકડવામાં સફળ રહ્યા. તેમણે અચ્છે દિન અને નવા ભારતનું ભવિષ્ય લોકો સમક્ષ રજુ કર્યુ જે ખુબ જ સરળતાથી મતમાં પરિવર્તિત થયુ અને ૧૬મેના રોજ રાજકીય પંડિતો પણ મોં- મોં આંગળા નાખી બેઠા હતા.
૨૦૧૪માં નરેન્દ્રભાઈના વડાપ્રધાન બન્યા બાદ ૨૫ રાજયોમાં ધારાસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં ૧૩ રાજયોમાં ભાજપ શાસીત સરકાર બની હતી. છેલ્લા પાંચ વર્ષમાં ભાજપ- એનડીએ ૮માંથી ૨૦ રાજયોમાં પહોચ્યાં ત્યાં કોંગ્રેસ ઘટીને ૧૪માંથી ફકત ૩ રાજયો સુધી સીમિત રહી. ૨૦૧૮માં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત મેળવી કોંગ્રેસને પોતાનો આંકડો વધારવામાં સફળતા મળી હતી.
છેલ્લા ૫ વર્ષોમાં ભાજપે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, આસામ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવા, ગુજરાત, હિમાચલ, મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડમાં પણ પોતાની સરકાર બનાવી છે. ઉપરાંત ક્ષેત્રીય પક્ષો ઉપર પણ ભાજપ ભારે પડ્યું છે. ઉત્તર- પૂર્વમાં પણ લેફટને આંતરીક ચૂંટણીમાં હરાવી રહી છે. કર્ણાટકમાં પણ ભાજપ સૌથી મોટી પાર્ટી બની પણ બહુમત સાબીત ન કરી શકતા સત્તાથી વંચિત રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈની સરકારે પાંચ વર્ષની સફર પૂર્ણ કરી લીધી છે. આનાથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પોતાના રાજકીય ઈતિહાસમાં સૌથી વધુ બેઠકો સાથે આ વખતે પણ મેદાનમાં છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈએ ૩૦૦થી વધુ બેઠક જીતવાનો દાવો કર્યો છે.