Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

દેશમાં હિન્દી પછી બીજા ક્રમે બોલાતી ભાષા અંગ્રેજી : બીજી ભાષા તરીકે લાખો લોકો અંગ્રેજી બોલે છે : પ્રભાવ વધી રહ્યો છે

એક સર્વેમાં રસપ્રદ વિગતો : માત્ર ૬ ટકા અંગ્રેજી બોલે છે : ગામડામાં ૩ ટકાનો રેશીયો

મુંબઇ તા. ૧૬ : ભારત દેશમાં અંગ્રેજી ભાષા કોણ બોલે છે ? કયાં બોલે છે? આ અંગે એક રસપ્રદ તારણો બહાર આવ્યા છે.

વર્ષ ૨૦૧૧માં થયેલી વસ્તી ગણતરી મુજબ, દેશમાં ૨.૫૬ લાખ લોકોની માતૃભાષા અંગ્રેજી છે. ૮૩ મિલિયન લોકોની બીજી ભાષા અંગ્રેજી છે અને બીજા ૪૬ મિલિયન લોકોની ત્રીજી ભાષા અંગ્રેજી છે અને ભારતમાં હિંદી ભાષા પછી સૌથી વધારે અંગ્રેજી ભાષાનો ઉપયોગ થાય છે.

ભારતમાં ૫૨૮ મિલિયન લોકોની પહેલી ભાષા હિન્દી છે. ભારતમાં પહેલી અને બીજી ભાષા તરીકે હિન્દી સૌથી વધારે બોલાય છે. મહત્વની વાત એ છે કે, લોકો બીજી ભાષા તરીકે અંગ્રેજી ભાષા બોલે છે અને સૌથી મોટા પ્રમાણમાં બીજી ભાષા તરીકે અંગ્રેજીનો ઉપયોગ થાય છે અને એ દર્શાવે છે કે, અંગ્રેજીનો પ્રભાવ કેટલો વધી રહ્યો છે. પણ અંગ્રેજી ભાષા બોલનારા લોકો વિશેની કેટલીક બાબતો ઓછી જાણીતી છે. લોક ફાઉન્ડેશન અને ઓકસફર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં રસપ્રદ તારણો બહાર આવ્યા છે. આ સંસ્થાઓએ એક સર્વે હાથ ધર્યો હતો.

આ સર્વેમાં જાણવા મળ્યું કે, માત્ર છ ટકા લોકો જ કહ્યું તે અંગ્રેજી બોલી શકે છે. વસ્તી ગણતરીમાં જે આંકડા આવ્યા છે તેના કરતા પણ ઓછી સંખ્યા કહી શકાય. બીજું કે, ગામડાઓમાં કરતા શહેરોમાં અંગ્રેજી વધુ બોલાય છે. માત્ર ત્રણ ટકા ગામડાનાં લોકોએ કહ્યું કે, તેઓ અંગ્રેજી બોલી શકે છે. જયારે ૧૨ ટકા શહેરીજનોએ કહ્યું કે, તેઓ અંગ્રેજી બોલી શકે છે.

અંગ્રેજી ભાષા બોલનારા લોકોનાં સર્વે પરથી ખ્યાલ આવે છે કે, કયા વર્ગનાં લોકો આ ભાષા વધુ બોલો છે. અંગ્રેજી ભાષા બોલનારામાં ૪૧ ટકા સંપન્ન લોકો છે જયારે ૨ ટકા ગરીબ લોકો અંગ્રેજી બોલી શકે છે. જે લોકોનું શિક્ષણનું સ્તર ઉંચુ છે તે અંગ્રેજી બોલી શકે છે. સ્નાતક થયેલા ત્રીજા ભાગનાં લોકો અંગ્રેજી બોલી શકે છે.

આ સિવાય, અંગ્રેજી બોલવા વાળામાં ધર્મ અને જ્ઞાતિ પણ મહત્વનો રોલ કરે છે. ૧૫ ટકાથી વધુ ખ્રિસ્તીઓ અંગ્રેજી બોલી શકે છે. છ ટકા હિંદુઓ અને ૪ ટકા મુસ્લિમો અંગ્રેજી બોલી શકે છે. ઉચ્ચ જ્ઞાતિનાં વ્યકિતઓમાં દલિતો અને આદિવાસીઓ કરતા અંગ્રેજીનું ચલણ ત્રણ ગણું વધારે છે. મહિલાઓ કરતા પુરુષો વધારે અંગ્રેજી બોલી શકે છે.

દક્ષિણ ભારતમાં બે ભાષા બોલવાનું ચલણ વધારે છે. હિંદી ભાષી રાજયોમાં લોકો માત્ર એક જ ભાષા બોલવાનું પસંદ કરે છે. મરાઠી અને ગુજરાતી લોકો જ બે અથવા તેથી વધારે ભાષાઓ જાણે છે અને ભૌગોલિક રીતે અનેક સ્થળો પર વિસ્તરેલા છે.

(4:04 pm IST)