Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

બંગાળમાં આજ રાતથી-૭ રાજયોમાં કાલ સાંજથી પ્રચાર બંધ

રવિવારે અંતિમ સાતમા તબકકાનું મતદાનઃનરેન્દ્રભાઈ, રાહુલ ગાંધી, અમિતભાઈ, માયાવતી, અખીલેશ સહિતના નેતાઓનો અંતિમ ચૂંટણી પ્રચાર ચરમ સીમાએઃ ૫૯ બેઠકો કેન્દ્રમાં સરકાર બનાવવા માટે અતિ મહત્વની

નવી દિલ્હી,તા.૧૬: લોકસભા ચૂંટણીના સાત તબક્કાઓમાંથી છ તબક્કાઓનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે ૧૯મીએ રવિવારના રોજ ૮ રાજયોની બાકીની ૫૯ બેઠકો ઉપર મતદાન યોજાવાનું છે. આજે રાતથી પશ્ચિમ બંગાળમાં જયારે કાલથી અન્ય સાત રાજયોમાં પ્રચાર પડઘમ બંધ થનાર છે.

છેલ્લા તબક્કાના મતદાનમાં બિહાર (૮ બેઠકો), ઝારખંડ (૩ બેઠકો), મધ્યપ્રદેશ (૮ બેઠકો), પંજાબ (૧૩ બેઠકો), પશ્ચિમ બંગાળ (૯ બેઠકો), ચંદીગઢ (૧ બેઠક), ઉત્તર પ્રદેશ (૧૩ બેઠકો) અને હિમાચલ પ્રદેશ (૪ બેઠકો)નો સમાવેશ થાય છે.

ચૂંટણી પંચ દ્વારા તમામ ઔપચારીકતાઓ પૂર્ણ કરાઈ રહી છે. ત્યારે રાજકીય પક્ષો પણ છેલ્લી કલાકોના પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ- કોંગ્રેસ સહિતના પક્ષોના સ્ટાર પ્રચારકો ૮ રાજયોમાં આજે સભાઓ- રેલીઓ યોજનાર છે.

જેમાં નરેન્દ્રભાઈ આજે પશ્ચિમ બંગાળમાં બે અને ઉત્તર પ્રદેશમાં ત્રણ જનસભા સંબોધી હતી. તેમણે સૌ પ્રથમ યુપીના ભુજોટી, ચંદૌલી, મીર્ઝાપુરમાં લોકોને સંબોધ્યા હતા. ત્યારબાદ તેઓ પશ્ચિમ બંગાળના મથુરાપુર અને દમદમમાં બે રેલીઓ કરનાર છે.

બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઝંઝાવતી ચૂંટણી પ્રચારનો દોર યથાવત છે. તેમણે બિહારમાં પટણા ખાતે શત્રુધ્ન સિંહા અને મિસા ભારતી માટે પ્રચાર કરનાર છે. સાંજે ૪:૩૦ વાગ્યે રાહુલ શત્રુધ્ન સિંહાના સમર્થનમાં રાજેન્દ્રનગરના મોઈનુલ હક સ્ટેડીયમથી રોડ- શો પણ કરનાર છે.

આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ પણ ઉત્તરપ્રદેશના મહારાજગંજ, સિકંદરપૂર, ચિબડા ફેફના, દેવરીયા અને ગોરખપુરમાં રેલીને સંબોધીત કરવાના છે.

મહાગઠબંધનના ત્રણ મોટા નેતા માયાવતી, અખીલેશ યાદવ અને આરલેડીના પ્રમુખ નેતા ચૌધરી અજીતસિંહ વડાપ્રધાનના સંસદીય વિસ્તાર વારાણસીમાં રેલી યોજનાર છે. ગઈકાલે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધીએ પણ વારાણસીમાં રોડ- શો યોજયો હતો, જેમાં જબ્બર જનમેદની ઉમટી પડી હતી. વારણસીમાં કોંગ્રેસે અજય રાયને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. જયારે મહાગઠબંધન તરફથી  તેજ બહાદુરનું ફોર્મ રદ્ થયા બાદ સમાજવાદી પાર્ટીએ શાલીની યાદવને ટીકીટ આપી હતી. વારાણસી બેઠક હાલ દેશભરમાં મુખ્ય આકર્ષણ બન્યું છે. અમિતભાઈ શાહના રોડ- શોમાં થયેલ હિંસાના પગલે ચૂંટણી પંચે તાત્કાલીક પગલા લઈ પશ્ચિમ બંગાળમાં આજે રાતથી જ જાહેર પ્રચાર બંધ કરવાનો આદેશ આપ્યો છે. જયારે અન્ય સાત રાજયો બિહાર, હિમાચલપ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને ચંદીગઢમાં કાલથી જાહેર પ્રચાર પડઘમ શાંત થઈ જશે.

ચૂંટણી પંચના પશ્ચિમ બંગાળમાં વહેલા પ્રચાર બંધ કરવાના નિર્ણયની મમતા બેનર્જી, માયાવતિ સહિતનાઓએ ભારો- ભાર ટીકા કરી છે. કોંગ્રેસના પ્રવકતા સૂરજેવાલાએ જણાવેલ કે વડાપ્રધાનને પશ્ચિમ બંગાળમાં બે રેલીની અનુમતી અપાય છે અને અન્ય માટે પ્રતિબંધ લાદવો સ્વતંત્ર સંવૈધાનિક સંસ્થા માટે શરમનાક છે.

મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહના ઈશારે જ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં સમય કરતા પહેલા રેલી- સભાઓ- જાહેર પ્રચાર ઉપર રોક લગાવી દિધી છે.

ગત છ તબકકાઓમાં પશ્ચિમ બંગાળ સીવાય સરેરાશ શાંતીપૂર્ણ મતદાન થયું છે. છેલ્લા તબકકાની ૫૯ બેઠકો કેન્દ્રમાં સરકાર બનાવવા માટે ખુબ જ મહત્વની માનવામાં આવી રહી છે. એટલે જ અંતિમ સાતમા તબક્કા ઉપર જ આગામી કેન્દ્ર સરકાર બનાવા માટેનો મોટા મદાર હોવાનું રાજકીય સમીક્ષકો, વિવેચકો અને પક્ષોમાં ચર્ચાએ જોર પકડયું છે.

(3:53 pm IST)