Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

મહારાષ્ટ્રના વિદર્ભ-મરાઠાવાડને આ ચોમાસે પણ તરસવું પડશે

અલ-નીનોને લીધે ગુજરાત-પશ્ચિમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ચોમાસું નબળું અને વરસાદની ખાધવાળું રહેશે તેમ સ્કાયમેટ કહે છેઃ ભારતીય હવામાન ખાતુ માને છે કે અલ નીનોની અસર જુન સુધીમાં ખત્મ થઇ જશે અને દેશભરમાં નોર્મલ ચોમાસું રહેશેઃ આ વર્ષે હવામાન ખાતુ સાચું પડે તેવી સહુને આશા!!

મુંબઇ : સ્કાયમેટના વર્તારા મુજબ આગામી નેઋત્યના ચોમાસા દરમિયાન વિદર્ભ સહિત મહારાષ્ટ્રના ર૪ જિલ્લાઓમાં ચોમાસુ નબળુ રહેવા સંભવ છે. અને પ્રવર્તી રહેલ અછત વધુ વરવું રૂપ ધારણ કરે તેવા નિર્દેશો છે. અલ નીનોની અસર મરાઠાવાડ અને મધ્ય મહારાષ્ટ્રમાં વધુ જોવા મળશે.

જાણીતા હવામાન શાસ્ત્રી શ્રી અક્ષય દેવરસના હિન્દુસ્તાન ટાઇમ્સમાં પ્રસિધ્ધ અહેવાલ અને ટવીટ મુજબ હાલમાં મધ્ય મહારાષ્ટ્રના મરાઠાવાડના આઠ જિલ્લાના ૮પ૩૪ ગામોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે. ૧૩૩૯ કેટલ કેમ્પો ચાલુ છે.

ગયા વર્ષે (ર૦૧૮માં) મરાઠાવાડ અને મધ્ય મહારાષ્ટ્રના ૧૩ જિલ્લામાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે વરસાદની મોટી ખાધ (ર૮ ટકા) પડી હતી. મહારાષ્ટ્રમાં ગયા વર્ષે સરેરાશ વરસાદથી ૮ ટકા ઓછો વરસાદ પડયો હતો.

સ્કાયમેટે ર૦૧૯ નું ચોમાસુ વિદર્ભ - મરાઠાવાડ સહિત મધ્ય ભારત માટે નબળું રહેવા ચેતવણી આપી છે. અને ૯ ટકા જેવી વરસાદની ખાધ રહેશે તેમ જણાવ્યું છે.

આગામી જૂનથી સપ્ટેમ્બર વચ્ચે મહારાષ્ટ્રના ૩૬ માંથી ર૪ જિલ્લામાં સરેરાશથી નીચો વરસાદ પડશે તેમ સ્કાયમેટના હવામાન વર્તારામાં જણાવાયું છે. મરાઠાવાડ અને વિદર્ભમાં આ વર્ષે પણ દુષ્કાળના એંધાણ વર્તાઇ રહ્યાનું સ્કાયમેટનો વર્તારો કહે છે.

સ્કાયમેટના મેનેજીંગ ડાયરેકટર જતીન સીંઘે જણાવેલ કે આગામી ચોમાસામાં મધ્ય ભારતના આ વિસ્તારોમાં દેશમાં સૌથી ઓછો વરસાદ પડવાની પુરી સંભાવના છે. ઉપરાંત આ આગાહી મુજબ આગામી ચોમાસામાં મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠાવાડ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં ચોમાસું નબળુ અને વરસાદની ખાધવાળુ રહેશે. તેમણે આ માટે 'અલ-નીનો' છવાયેલ છે  તેને જવાબદાર ગણાવ્યું છે.

ભારતીય હવામાન ખાતાએ એપ્રિલમાં કરેલ આગાહીથી સ્કાયમેટની આ આગાહી અલગ પડે છે. ભારતીય હવામાન ખાતાએ આ વર્ષે દેશમાં લગભગ નોર્મલ ચોમાસાની આગાહી કરી છે.  આઇએમડીના મેનેજીંગ ડીરેકટર ડો. કે. જે. રમેશે કહયું છે કે જૂન સુધી અલ-નીનોની અસર જોવા મળશે, પરંતુ ત્યારબાદ ચોકકસપણે અલ-નીનોની અસર ઘટતી જવાનો ટ્રેન્ડ જોવા મળશે જ. અને અલ-નીનોને લઇને સમુદ્રની સપાટી ગરમ થવાનું વલણ જોવા મળે છે તે જૂન સુધીમાં ઠંડુ થતું જશે. જેનાથી નોર્મલ ચોમાસું દેશમાં રહેવા પૂરી સંભાવના છે.

સ્કાયમેટે આ વર્ષે ચોમાસુ મુંબઇમાં ૧૦ દિવસ મોડું એટલેકે જૂન ૧પ થી જૂન ૧૮ અને કદાચ જૂન ર૦ જેટલું મોડું શરૂ થાય તેવી આગાહી કરી છે.

જો કે કોંકણ રેન્જમાં નોર્મલથી ઓછું કે નોર્મલ ચોમાસુ રહેશે તેમ સ્કાયમેટના વાઇસ પ્રેસીડેન્ટ શ્રી મહેશ પલાવત કહે છે.

ભારતમાં  ૯૬ ટકાથી ૧૦૪ ટકા  વરસાદ પડે તેને નોર્મલ ચોમાસુ કહેવામાં આવે છે. જૂન થી સપ્ટેમ્બર વચ્ચે નૈઋત્યના ચોમાસામાં પ૦ વર્ષની સરેરાશ મુજબ ૮૯ સે.મી. (લગભગ ૩૬ ઇંચ) વરસાદને દેશ માટે સામાન્ય-નોર્મલ ચોમાસુ ગણવામાં આવે છે.

(11:37 am IST)