Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

મોદી આજથી ૨ દિવસ વારાણસીના પ્રવાસે

પૂર્વાંચલમાં રેલીને કરશે સંબોધન : ચૂંટણી જાહેર થયા બાદ બીજી વખત મુલાકાત લેશે

નવી દિલ્હી તા. ૧૬ : લોકસભા ચૂંટણી ૨૦૧૯ના સાતમાં એટલે કે છેલ્લા તબક્કામાં ભાજપની જીત નક્કી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત રેલી કરી રહ્યાં છે. આ ક્રમમાં પીએમ મોદી આજે પૂર્વ યૂપીમાં ત્રણ ચૂંટણી જનસભાનું સંબોધન કરશે. આ સાથે જ પીએમ મોદી આજથી ૨ દિવસ વારાણસીના પ્રવાસે છે. પીએમ મોદી આજે સાંજે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચશે અને ત્યાં રાત્રી પ્રવાસ કરશે.

ચૂંટણી જાહેર થયા બાદ કાશીમાં પીએ મોદીનો આ બીજી વખત પ્રવાસ હશે. ૧૬ મેની રાત્રે બનારસમાં રોકાશે પીએમ મોદી અને ૧૭ મેની સાંજ સુધી કાશીમાં રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદી ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે એટલે કે ૧૭ મેના રોજ કાશી વિશ્વનાથના દર્શન કરી શકે છે. પીએમ મોદી આજે સવારે ૧૦.૧૫ વાગે યૂપીના મઉના ભુજૌતી ગામમાં ભાજપની પહેલી ચૂંટણી રેલી કરી. ત્યારબાદ બીજી ચૂંટણી રેલી સવારે ૧૧.૪૫ વાગે ચંદૌલીના ધનપુર ગામમાં કરી હતી. પીએમ મોદીની ત્રીજી ચૂંટણી રેલી બપોરે ૧.૧૫ કલાકે મિર્ઝાપુરમાં કરી હતી.

પીએમ મોદી ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક પણ કરશે. પીએમ ચંદૌરીની ચૂંટણી રેલી બાદ વારાણસી જશે. પીએમ મોદીની પશ્ચિમ બંગાળમાં પણ આજે બે રેલીઓ પ્રસ્તાવિત છે. સાંજે ૪.૩૦ કલાકે તેમની પહેલી રેલી મથુરાપુરના ઉલ્લોનમાં થશે. ત્યારબાદ બીજી રેલી સાંજે ૬.૧૦ વાગે દમદમમાં યોજાવાની છે.

વારાણસીથી પીએમ મોદી સતત બીજી વખત લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ બનારસ પહોંચી શકે છે. તે પહેલા પીએમ મોદી ૨૫ એપ્રિલે વારાણસી આવ્યા હતા. ૨૫ એપ્રિલના બીએચયૂના લંકા ગેટથી દશાશ્વમઘ ઘાટ સુધી રોડ શો કર્યો હતો અને ૨૬ એપ્રિલે તેમણે નામાંકન નોંધાવ્યું હતું. ૧૯ મેએ સાતમા (છેલ્લા) તબક્કામાં ચૂંટણી મતદાન યોજાવાની છે.

યૂપીના પૂર્વાંચલની ૧૩ લોકસભા બેઠક પર ચૂંટણી છે. જેમાં ગોરખપુર જેવી મહત્વપૂર્ણ બેઠક પણ છે. જયાં પેટાચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે પીએમ મોદીનો કાશીના આ ૨ દિવસનો પ્રવાસ પૂર્વાંચલના રાજકિય સમીકરણને ફીટ કરવા માટે હશે. પીએમ મોદીનો આ પ્રવાસ એ રીતે પણ જોવામાં આવી રહ્યો છે કે માયાવતી અને અખિલેશે હાલમાં જ પૂર્વાંચલમાં ૮ રેલી વધારી છે. બનારસમાં રોકાવવાથી વડાપ્રધાન મોદી અખિલેશ-માયાવતીની રેલીનો રાજકીય કટ જરૃર નીકાળશે.

(11:24 am IST)