Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ત્રણને ઇજાઃ એસઓજી-સીઆરપીએફનું સંયુકત ઓપરેશનમાં હાથ ધરાયું

પુલવામામાં સુરક્ષાબળોએ ૩ આતંકી કર્યા ઠાર : ૧ જવાન શહીદ

પાકિસ્તાન સ્થિત જૈસ-એ-મોહમ્મદનો ટોચનો કમાન્ડર ખાલીદનો ખાત્મો

શ્રીનગર તા. ૧૬: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગુરૂવાર સવારે એન્કાઉન્ટર શરૂ થઇ ગયું હતું. દલીપુરા વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં પોલીસ, એસઓજી અને સીઆરપીએફના સંયુકત ઓપરેશનમાં ૩ આતંકીઓ માર્યા ગયા છે. જો કે, આ એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો છે સાથે જ ૧ નાગરીક અને ૨ જવાન પણ ઘાયલ થયા છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. સુરક્ષાની દ્રષ્ટીએ આ વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઇલ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. સાથે જ કર્ફયુ પણ લગાવી દેવામાં આવ્યો છે. આતંકી વિસ્તારના એક મકાનમાં છૂપાયેલા હતા.

 

મળતી વિગતો મુજબ આજે જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે ઠાર થયેલ ૩ ત્રાસવાદી પૈકીનો ખાલીદ ૮ વર્ષથી કાશ્મીરમાં સક્રિય હતો અને પાકિસ્તાન ખાતેના જૈસ-એ-મોહમ્મદના હેડ કવાટરનો ટોચનો કમાન્ડર હોવાનું ખૂલ્યું છે. ૨૦૧૭માં લેથપોરા ખાતેના સીઆરપીએફના કેમ્પ ઉપર થયેલ હુમલામાં ખાલીદ વોન્ટેડ હતો. આ હુમલામાં અર્ધલશ્કરી દળના પાંચ જવાનો શહિદ થયા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા દળોને આ વિસ્તારમાં કેટલાક આતંકી છૂપાયેલા હોવાની જાણકારી મળી હતી. ત્યારબાદ તેમની શોધખોડ માટે આ વિસ્તારમાં સંયુકત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન આતંકીઓની તરફથી ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જેનો જવાબ સુરક્ષા દળોએ આપ્યો. આ સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે.

જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં રવિવારના સુરક્ષા દળોની સાથે એન્કાઉન્ટરમાં બે આતંકવાદી માર્યા ગયા હતા. સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના હિન્દ સીતાપુર વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયેલા હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ તે વિસ્તારમાં ઘેરી લેવામાં આવ્યું હતું અને તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ અભિયાન દરમિયાન આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ બંને તરફથી એન્કાઉન્ટર શરૂ થઇ ગઇ હતી જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.(૨૧.૨૦)

(3:22 pm IST)