Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ECની કાર્યવાહીથી મમતાબેનર્જી અકળાયા મોદી - શાહના ઇશારે ચુંટણીપંચે લીધો નિર્ણય

મોદી મારાથી અને બંગાળથી ડરી ગયા છે. પ્રચાર પર રોકનો નિર્ણય મોદીનો છે. ચુંટણીપંચનો નહીઃ મમતા

નવી દિલ્હી, તા.૧૬: પશ્યિમ બંગાળમાં થઈ રહેલી ચૂંટણી હિંસાને ધ્યાનમાં લઈને રાજયની નવ લોકસભા બેઠકો પર આગામી ૧૯મીથી થનારા મતદાન માટે નિર્ધારિત પ્રચાર સમય કરતા એક દિવસ અગાઉ પ્રચાર પર પ્રતિબંધ લાદવાના ચૂંટણી પંચના નિર્ણય પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આકરી પ્રતિક્રિયા આપી છે. મમતાએ ચૂંટણી પંચ પર આરોપ લગાવતા કહ્યું કે આ નિર્ણય ભાજપના નિર્દેશ પર લેવાયો છે.

મમતાએ ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને પીએમ મોદી પર નિશાન સાધ્યું. મમતાએ કહ્યું કે, 'કોલકાતામાં અમિત શાહે તોફાન કરાવ્યું, શાહ પર કાર્યવાહી થવી જોઈએ. મોદીજી મારાથી અને બંગાળથી ડરે છે.'

મમતા બેનર્જીએ કહ્યું કે, 'પીએમ મોદી મારાથી અને પશ્યિમ બંગાળથી ડરી ગયા છે. પ્રચાર પર રોકનો નિર્ણય ચૂંટણી પંચનો નહીં પરંતુ પીએમ મોદીનો છે. રોડ શોમાં હિંસા માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ જવાબદાર છે. કોલકાતામાં ભાજપ અધ્યક્ષે હંગામો કરાવ્યો. ભાજપના લોકોએ જ ઈશ્વરચંદ વિદ્યાસાગરની મૂર્તિ તોડી છે.'

મમતા બેનર્જીએ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર આરોપ લગાવતા કહ્યું કે, 'ભાજપના નિર્દેશ ઉપર જ ચૂંટણી પંચે પ્રચાર પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે. પશ્યિમ બંગાળમાં માહોલ ખરાબ કરવા બદલ અમિત શાહ પર કાર્યવાહી થવી જોઈએ.'

મમતા બેનર્જીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'અમિત શાહે આજે પ્રેસ કોન્ફરન્સ કરી, ચૂંટણી પંચને ધમકાવ્યું, શું ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ એ તેનું પરિણામ છે? બંગાળ ડર્યું નથી. બંગાળને ટાર્ગેટ કરવામાં આવ્યું છે કારણ કે હું પીએમ મોદીની વિરુદ્ઘમાં છું.'

(10:09 am IST)