Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

અમેરિકામાંથી 70 પાકિસ્તાની નાગરિકોની હકાલપટ્ટી : ગુનાહિત કૃત્યોમાં શામેલ હોવાના આરોપસર ખાસ વિમાન દ્વારા ઇસ્લામાબાદ રવાના કરી દેવાશે

વોશિંગટન :  અમેરિકામાંથી  70 પાકિસ્તાની નાગરિકોની હકાલપટ્ટી કરી દેવામાં આવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.આ નાગરિકો ઉપર  ગુનાહિત કૃત્યોમાં શામેલ હોવાના આરોપો છે.જોકે ક્યાં અપરાધમાં તેઓ શામેલ છે તેની કોઈ ચોખવટ કરાઈ નથી. તમામ 70 પાકિસ્તાની નાગરિકોને  ખાસ વિમાન દ્વારા ઇસ્લામાબાદ રવાના કરી દેવાશે

બે અઠવાડિયા અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે પાકિસ્તાન પર નવા વિઝા પ્રતિબંધ લગાવ્યા હતા. જેમાં  અહીંના સરકારી ઓફિસરો પણ સામેલ છે. તેનો  અર્થ એવો છે કે, પાકિસ્તાનના ઓફિસરોને પણ અમેરિકાના વિઝા સરળતાથી નહીં મળી શકે.

અમેરિકાએ 10 દેશો માટે વિઝા પ્રતિબંધની યાદી તૈયાર કરી છે. તેઓને વિઝા આપવાની પ્રક્રિયા અત્યંત કડક છે. નવા નિયમો અનુસાર, જે પ્રત્યર્પણ કરવા છતાં તે પોતાના નાગરિકોને પરત બોલાવવાનો ઇન્કાર કરતા રહ્યું છે. આ માટે જ કડક વિઝા નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. જેમાં એવા દેશો સામેલ છે, જેમના નાગરિક વિઝા અવધિ પૂર્ણ થવા છતાં અમેરિકામાં રહે છે. અમેરિકાએ અત્યાર સુધી નવા નિયમો અંગે વિસ્તારથી જાણકારી આપી નથી. વિદેશ વિભાગે માત્ર એટલું જ કહ્યું કે, આ અંગે સંબંધિત દેશો સાથે વાતચીત ચાલી રહી છે.

અમેરિકામાં પાકિસ્તાની એમ્બેસીના એક અધિકારીએ કહ્યું કે, કેટલાંક લોકોને પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યા છે. જો કે, તેઓએ કહ્યું કે, વિઝા પ્રતિબંધની વાત ખોટી રીતે પ્રસારિત કરવામાં આવી છે. આ મામલો સંવેદનશીલ છે. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. વાતચીત ચાલી રહી છે. અમે અમેરિકન વેપારીઓને લોંગ ટર્મ અને વિઝા ઓન અરાઇવલ જેવી સુવિધાઓ આપી છે.

(5:58 pm IST)