Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

શાકભાજી બાદ હવે વિવિધ દાળનાં ભાવ વધ્યા

તુવેર સહિત દાળોના ભાવમાં કિલોએ રૂ. ૨૦થી ૨૫ વધી ગયાઃ સિંગતેલના ભાવમાં ૧૫ દિ' માં રૂ.૭૦ વધ્યાઃ શાકભાજીના ભાવ મોઢુ દઝાડે તેવા

મુંબઇ, તા.૧૫: મોંદ્યવારીના મારમાં પિસાતી જનતાને છૂટકારો મળે તેવા કોઈ એંધાણ જણાતા નથી. શાકભાજી બાદ હવે તુવેર સહિતની દાળના ભાવમાં ભડકો થતાં મધ્યમવર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે.

છેલ્લા કેટલાક દિવસોમાં તુવેર સહિતની દાળોના ભાવોમાં કિલોએ રૂ.૨૦ થી ૨૫નો ઉછાળો આવતા મધ્યમ વર્ગની હાલત કફોડી બની ગઈ છે. છુટક બજારમાં કિલો દીઠ રૂ. ૬૦ થી ૬૫ મળતી તુવેર દાળ અત્યારે ૯૦ થી ૯૫ કિલો વેચાણ થઈ રહી છે. તેની સામે અડદ દાળ, ચણાની દાળ, મંગની દાળમાં પણ રૂ.૧૫ થી ૨૦નો વધારો થયો છે.

વેપારીઓ જણાવી રહ્યા છે કે, આવી પરિસ્થિતિ રહેશે તો તુવેરની દાળનો ભાવ કિલોએ રૂ. ૧૨૦ આસપાસ પહોંચી જશે. ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં તુવેર અને અડદ દાળનું ઉત્પાદન ગયા વર્ષ કરતા ઓછું થયુ છે.બીજી તરફ બન્ને દાળોમાં ઉપાડ વધ્યો છે.

બીજી તરફ સરકાર દ્વારા તુવેરની દાળની આયાત ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે,જેની લીધે અત્યારે તુવેર દાળના ભાવો વધ્યા છે.અમદાવાદના બજારમાં તુવરેની દાળ વાસદ અને મહારાષ્ટ્રથી આવે છે. જયારે સિઝનમાં આફ્રિકાના દેશોમાંથી આવે છે. અમદાવાદીઓ દરરોજ ૨૫૦ કવિન્ટલની આસપાસ તુવરેની દાળ ખરીદતા હોય છે. ખેડૂતોને તુવેરની દાળનો ભાવ ઓછો મળતો હોવાથી તેમને પાક ઓછો લેવાનું શરૂ કર્યુ હતું.

બીજી તરફ તુવેરની દાળનો ઉપાડ વધતા છેલ્લા ઘણા સમયથી તુવેરની દાળની બજારમાં અછત જોવા મળી રહી છે. જેની લીધે તુવેરની દાળના ભાવોમાં ઉછાળો આવ્યો છે. બીજી તરફ તુવેરની દાળના ભાવો વધતા અન્ય દાળોના ભાવમાં પણ રૂ. ૨૦ સુધીનો ઉછાળો આવ્યો છે.

સિંગતેલના ભાવમાં છેલ્લા પંદર દિવસમાં ડબ્બે રૂ.૭૦નો ઉછાળો આવ્યો છે. ગત તા.૮ મેએ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.૧૦૦૦થી વધીને રૂ. ૧૦૨૫ સુધીના બોલાયા હતા બાદમાં મીલરોએ ફરી રૂ.૨૫ વધારી દેતા ડબ્બે રૂ. ૧૦૫૦એ આંબી ગયા હતા. આ પહેલા ડબે રૂ.૧૦નો વધારો કર્યો બાદ  ફરી ડબ્બે રૂ.૧૦ વધારી દેતા પંદર દિવસમાં ડબ્બે રૂ.૭૦નો વધારો થયો છે.

લીલા મરચાનો કિલોનો ભાવ રૂ.૮૦એ પહોંચ્યો

સામાન્ય દિવસોમાં રૂ.૪૦ કિલો લેખે મળતા કોથમીર, લીંબુ, લીલા મરચાં રૂ. ૮૦ થી ૧૦૦ કિલો લેખે વેચાય છે. ઉનાળામાં શાકભાજીની આવક ઓછી થતાં થોડા વધે પરંતુ બમણાં થાય નહીં. જમાલપુરની શાકમાર્કેટમાં શાકભાજી ઓછા ભાવે મળે તેના બમણાં ભાવ સેમી હોલસેલ માર્કેટમાં વસૂલાતા હોય શાકભાજીના વેપારીઓએ સિન્ડીકેટ રચી ભાવ વધારાનો કારસો કર્યાનું લોકો માની રહ્યાં છે.

ઉનાળાના આરંભે લીલા શાકભાજીના ભાવ ઉંચે ચડવા સાથે કોથમીર, લીંબુ, લીલા મરચાંનો ભાવ કિલોએ રૂ. ૮૦ થી ૧૦૦ આંબી ગયા છે. શાકભાજીના વિક્રેતાના જણાવ્યા પ્રમાણે હાલમાં ઉનાળાની ગરમીના કારણે શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે. આવક ઓછી થતા ભાવમાં એકાએક વધારો થયો છે.

ટામેટાના ભાવમાં કિલોએ રૂ.૩૫નો વધારો 

સામાન્ય દિવસોમાં રૂ.૨૦ કિલો મળતા ટામેટા આકરી ગરમી વચ્ચે કિલોએ રૂ.૩૫નો વધારો થયો છે.એટલે કે, ટામેટા રૂ.૫૫ કિલો વેચાઈ રહ્યા છે. અન્ય રાજયોમાંથી આવક ઘટતાં ટામેટાના ભાવ ઊંચકાયા છે.

(10:19 am IST)