Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કોંગ્રેસના ૨૫ ધારાસભ્યો બેઠકમાં ન પહોંચ્યા

મોટી ભાંગફોડ ?: એક ધારાસભ્ય બેઠક છોડીને જતા રહ્યા : જનતા દળ એસના પણ બે ધારાસભ્યો ગૂમ

નવી દિલ્હી તા. ૧૬ : કર્ણાટકમાં સરકાર રચવા માટે મચેલી હોડ વચ્ચે કોંગ્રેસ અને જેડીએસની ચિંતા વધારનારા અહેવાલો છે. બંને પક્ષો બેંગાલુરૂની હોટલમાં ધારાસભ્યોને એક જૂટ રાખવા માટે બેઠકો કરી રહ્યા છે. સૂત્રોનું કહેવું છેકે કોંગ્રેસની બેઠકમાંથી ૨૫ જેટલા ધારાસભ્યો ગેરહાજર રહ્યા છે. તો નવનિર્વાચિત ધારાસભ્ય એમ. બી. પાટિલ કોંગ્રેસની બેઠક છોડીને નીકળી ચુકયા છે. એમ. બી. પાટિલનો દાવો છે કે કોંગ્રેસના વધુ છ ધારાસભ્યો પણ તેમની સાથે છે. જરૂર પડશે તો આ છ ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડી દેશે તેમ 'ઝી'નો અહેવાલ જણાવે છે.

બીજી તરફ જેડીએની બેઠકમાં પણ બે નવનિર્વાચિત ધારાસભ્યો પહોંચ્યા નથી. જેડીએસની બેઠકમાં નહીં પહોંચનારા ધારાસભ્યોમાં રાજા વેકંટપ્પા અને વેંકટ રાવનો સમાવેશ થાય છે. જેડીએસના ધારાસભ્ય દળના નેટા ચૂંટાયા બાદ એચ. ડી. કુમારસ્વામીએ ભાજપ પર ધારાસભ્યોને તોડવાની કોશિશ માટે મોટી લાલચ અપાયાનો ગંભીર આરોપ લગાવાયો છે.

ભાજપના સૂત્રોનું કહેવું છે કે પાર્ટી દ્વારા કર્ણાટકમાં સરકાર બનાવવા માટે જરૂરી ધારાસભ્યોનું સમર્થન મેળવી લેવામાં આવ્યું છે. સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યા બાદ ફલોર પર બહુમતી સાબિત કરવામાં આવશે. સૂત્રો મુજબ રાયચુર, બેલ્લારી અને બેલગામના લગભગ ૧૦થી ૧૨ ધારાસભ્યો સાથે વાતચીત થઈ ચુકી છે. ગૃહમાં ફલોર ટેસ્ટ વખતે આ ધારાસભ્યો ગેરહાજર રહે તેવી શકયતા છે. જેમાં બહુમતી માટે જરૂરી ધારાસભ્યોની સંખ્યા ૧૧૧થી નીચે આવી જશે.

(3:22 pm IST)