Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કર્ણાટક ચૂંટણી પછી સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા !

પેટ્રોલ ૫૦ પૈસા-ડિઝલ ૬૪ પૈસા જેટલુ કુલ મોંઘુ થયું: આજે પેટ્રોલમાં ૧૫ અને ડીઝલમાં ૨૧ પૈસાનો વધારો થયોઃ ૪ થી ૫ રૂ. જેવો ભાવ વધારો થઈ જશે તેમ નિષ્ણાંતો માને છે

નવી દિલ્હી, તા. ૧૬ :. પેટ્રોલ-ડીઝલની કિંમતો આભને આંબી રહી છે. કર્ણાટકની ચૂંટણી પત્યા પછી પેટ્રોલ લગભગ ૫૦ પૈસા અને ૬૪ પૈસા મોંઘુ થઈ ચુકયુ છે. આજે બુધવારે પેટ્રોલમાં ૧૫ પૈસા જ્યારે ડીઝલમાં ૨૧ પૈસા વધારવામાં આવ્યા છે. ઓઈલ કંપનીઓએ કર્ણાટકની ચૂંટણી દરમિયાન ૧૯ દિવસ સુધી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ જ ફેરફાર નહોતો કર્યો. ૨૪ એપ્રિલ પછી ૧૪ મે ના રોજ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.

આજ એટલે કે બુધવારે દિલ્હીમાં પેટ્રોલ ૭૫.૦૯ રૂ. લી. જ્યારે ડીઝલ ૬૬.૫૬ રૂ. લી. પહોંચી ગયેલ છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ હાલમાં ૫ વર્ષની મહત્તમ ઉંચાઈએ છે જ્યારે ડિઝલ અત્યાર સુધીમાં સૌથી ઉંચા ભાવે મળે છે.

જ્યારે બીજા મહાનગરોમાં જોઈએ તો મુંબઈમાં પેટ્રોલ ૮૨.૯૪ રૂ. લી. અને ડીઝલ ૭૦.૮૭ રૂ. લી. છે. મુંબઈમાં આજે પેટ્રોલ પર ૧૫ પૈસા જ્યારે ડીઝલ પર ૨૨ પૈસા વધારવામાં આવ્યા છે. કોલકતામાં પેટ્રોલ પર ૧૪ પૈસા વધીને ૭૭.૮ રૂ. લી. અને ડીઝલ ૨૧ પૈસા વધીને ૬૯.૧૦ રૂ. લી. પહોંચી ગયેલ છે. ચેન્નઈમાં પેટ્રોલ સૌથી વધારે એટલે કે ૧૬ પૈસા વધીને ૭૭.૯૩ રૂ. લીટર જ્યારે ડીઝલમાં ૨૩ પૈસા વધીને ૭૦.૨૪ રૂ. લીટર થયેલ છે.

છેલ્લા એક મહિનાની વાત કરીએ તો પેટ્રોલમાં લગભગ ૧.૫૦ રૂ. અને ડીઝલમા લગભગ ૨ રૂ.નો વધારો થયેલ છે. એપ્રિલની શરૂઆતમાં પેટ્રોલના ભાવ ૭૩.૫૬ રૂ.ની આજુબાજુ હતા જે ૧૬ મે સુધીમાં ૭૫ રૂપિયાની બહાર નીકળી ગયેલ છે. જ્યારે ડીઝલની કિંમતો પેટ્રોલથી પણ વધારે ઝડપે વધી છે. એપ્રિલની શરૂઆતમાં ડીઝલ ૬૪.૯૬ની આસપાસ મળતુ જે ૧૬ મે સુધીમાં ૬૬.૫૬ પર પહોંચેલ છે.

પેટ્રોલ ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારો પર આધારીત છે. ક્રૂડની કિંમતો લગાતાર વધી રહી છે. બ્રેક ક્રુડ ૭૮ ડોલર પ્રતિ બેરલ જ્યારે નાયમેક્ષ ૭૧ ડોલર પ્રતિ બેરલને વળોટી ગયેલ છે. આ પૂર્વે ૨૦૧૪માં કાચુ ઓઈલ આટલુ મોંઘુ થયુ હતું. લગભગ ૪ વર્ષ બાદ ફરી ક્રૂડની કિંમતો લગાતાર વધી રહી છે.

સીનીયર એનાલીસ્ટ અરૂણ કેજરીવાલનું માનવુ છે કે પેટ્રોલ અને ડીઝલમાં લગભગ ૪ થી ૫ રૂપિયાનો વધારો થશે કારણ કે ઓઈલ કંપનીઓ ૧૯ દિવસ સુધી કિંમતો જાળવી રાખીને નુકશાન ભોગવી ચૂકી છે. ક્રૂડની વધતી કિંમતોને લીધે પણ ઓઈલ કંપનીઓને ખોટ ગયેલ છે. હવે તેની ભરપાઈ માટે પેટ્રોલ-ડીઝલ મોંઘુ થવાનુ તે નક્કી છે. દિલ્હીમાં પેટ્રોલ ૭૬ રૂ. લી. અને ડીઝલ ૬૮ રૂ. લી. પહોંચે તેવી શકયતા છે.(૨-૬)

(11:57 am IST)