Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

નરેન્દ્રભાઇ અને રાહુલે મતદારોનો આભાર માન્યો

કર્ણાટકના લોકોએ કોંગ્રેસને જડબાતોડ જવાબ આપ્યોઃ મોદીઃ કર્ણાટકની જનતા માટે સતત સંઘર્ષ કરતા રહેશેઃગાંધી

નવી દિલ્હી તા. ૧૬ : કર્ણાટક વિધાન સભાની ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી, તે છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ માટે અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ માટે રાજયના મતદારોનો આભાર માન્યો છે.

મોદીએ અહીં ભાજપના મુખ્યાલય ખાતે પક્ષના કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે કોંગ્રેસે એવી માન્યતા ઊભી કરી હતી કે ભાજપ માત્ર હિન્દીભાષી રાજયોની જ પાર્ટી છે. શું ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ અને ઈશાન ભારતના રાજયો હિન્દીભાષી છે? ના. ભાજપ તો સમગ્ર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. કર્ણાટકના લોકોએ એ લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે જેમણે આવી માન્યતા ઊભી કરી હતી અને આપણા વિશે ગેરમાહિતી ફેલાવી હતી.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કર્ણાટકના એ મતદારોનો આભાર માન્યો છે જેમણે કોંગ્રેસને વોટ આપ્યો છે. રાહુલે કહ્યું છે કે અમારી પાર્ટી અમને વોટ આપનારાઓ માટે લડશે. રાહુલે ચૂંટણી માટે સમર્પણની ભાવના બતાવનાર અને સખત પરિશ્રમ કરનાર પક્ષના કાર્યકર્તાઓનો પણ આભાર માન્યો છે.(૨૧.૮)

 

(11:56 am IST)