Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

લોકપાલ નિમણૂક મામલો : પસંદગી પેનલમાં મુકુલ રોહતગીનો કરાયો સમાવેશ

નવી દિલ્હી તા. ૧૬ : લોકપાલની નિમણૂકની દિશામાં કેન્દ્ર સરકારે વધુ એક સકારાત્મક પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીનો પસંદગી સમિતિમાં સમાવેશ કર્યો છે. એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, આ અંગેનો નિર્ણય ૧૧મી મેના રોજ યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. અદાલતે પૂછ્યું કે, લોકપાલની નિમણૂક માટે હજી કેટલો સમય લાગશે? આ અંગે જવાબ આપતાં વેણુગોપાલે કહ્યું કે, આ પ્રક્રિયામાં હજી સમય લાગશે. સુપ્રીમ કોર્ટ આ મામલે વધુ સુનાવણી ૨ જુલાઈના રોજ કરશે.

લોકપાલની નિમણૂંકના મામલામાં એપ્રિલ મહિનામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, 'અમને આશા છે કે, લોકપાલની નિમણૂંક કરવાને લઈને કેન્દ્ર સરકાર જલદી નિર્ણય કરશે. આ પછી અદાલતે લોકપાલની નિમણૂંક અંગે તાત્કાલિક આદેશ જારી કરવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ અદાલતે કહ્યું હતું કે સરકારના આશ્વાસન બાદ હાલમાં આ અંગે કોઈ આદેશ જારી કરવામાં આવશે નહીં.'(૨૧.૯)

(11:53 am IST)