Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

વારાણસી પૂલ દુર્ઘટનાઃ ઘાયલોને મળ્યા CM યોગીઃ એન્જીનિયર સસ્પેન્ડ

દોષીતોને છોડવામાં નહી આવે : તપાસ સમિતિ ૧૫ દિવસમાં રિપોર્ટ સોંપશે

લખનૌ તા. ૧૬ : વારાણસીમાં એક નિર્માણાધીન ફલાઇઓવર ધરાશયી થતાં ૧૮ લોકોના મોત થયા છે. જયારે ૩ અન્ય લોકોને જીવીત બહાર કાઢવામાં આવ્યાં છે. આ દૂર્ઘટના પર યૂપી સરકારે કડક કાર્યવાહી કરતાં ચીફ પ્રોજેકટ મેનેજર સહિત ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે.

આ દૂર્ઘટનામાં સસ્પેન્ડ કરવામાં આવેલ પ્રોજેકટ મેનેજર કે. આર. સૂદને કહ્યું છે કે આમા કોઇ ભૂલ થઇ નથી, કામ કરવાનું પ્રેસર હતું. અમે હાલમાં ઘણા પરેશાન છીએ.

આ દૂર્ઘટનાને લઇને યુપી સરકાર એકશનમાં આવી ગઇ હતી. યુપી સરકારે આ દૂર્ઘટના પર ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. જેમાં ચીફ પ્રોજેકટર મેનેજર એચસી તિવારી, પ્રોજેકટ મેનેજર કે. આર સૂદન, આસી. એન્જીનિયર રાજેશસિંહ અને એન્જીનિયર લાલચંદને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

દૂર્ઘટનાની જાણ થતા ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય ઘટનાસ્થલે પહોંચ્યા હતા. કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે દૂર્ઘટનાની તપાસ માટે સમિતિની રચના કરી દેવામાં આવી છે. જે પણ દોષી હશે તેમને છોડવામાં આવશે નહીં. તપાસ સમિતિ ૧૫ દિવસમાં રિપોર્ટ સોંપશે.

આ દૂર્ઘટના બાદ રાજયના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મોડી રાત્રે લખનઉથી બનારસ પહોંચ્યા હતા. જયા તેઓએ હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી. યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને ૫ લાખની સહાયની જાહેરાત કરી હતી.

સીએમ તપાસ માટે ઉચ્ચ સ્તરીય કમિટિ બનાવવા પર પણ ભાર મૂકયો હતો. આ ફલાઇઓવરનું નિર્માણ સ્ટેશન પાસે કરવામાં આવી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે વારણસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય વિસ્તાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દૂર્ઘટના પર દુઃખ વ્યકત કર્યું હતું.(૨૧.૭)

 

(11:50 am IST)