Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

આ વખતે સંખ્યાબંધ મતદાન મથકો વધશેઃ ચૂંટણીપંચનો ખાસ નિર્ણય

ગામડામાં હાલ ૧૨૦૦ મતદારો દીઠ એક મતદાન મથક ત્યાં ૧૧૦૦ કરાયાઃ સીટીમાં ૧૪૦૦ના ૧૩૦૦: રાજકોટ કલેકટરને આદેશ : લોકસભાની ચુંટણીના પડધમઃ ૧ લી સ્પ્ટેમ્બરથી મતદારયાદી સુધારણા કાર્યક્રમઃ ૧ જુનથી BLO દ્વારા ડોરટુ ડોર ખાસ ચકાસણી : લોકસભા ચૂંટણી પડધમ તાકીદની વીસી યોજાઇ : ૨૧ જુનથી રાજકોટ શહેર-જીલ્લા ના તમામ ૨૧૫૮ મતદાન મથકોની ચકાસણી કરી લેવા આદેશોઃ ૩૧ જુલાઇ પહેલા રીપોર્ટ આપવો

રાજકોટ તા.૧૬: તાજેતરમાં ૧૪ મી મેના રોજ મતદારયાદીની ફાઇનલ પ્રસિધ્ધિ કથઇ ત્યાં ચુંટણીપંચના રાજયના મુખ્ય ચુંટણી અધિકારી શ્રી એલ મુરલી ક્રિષ્ણનને ગઇકાલે બપોરબાદ તમામ કલેકટરો અને ડે કલેકટરો સાથે વીસી યોજી મતદારયાદી કાર્યક્રમ-મતદાનમથકોની ચકાસણી સહિતની મહત્વની સુચના અને આદેશો બહાર પાડતા રાજકોટ કલેકટર તંત્ર ધંધે લાગી ગયું હતું.

ખાસ કરીને મતદાન મથકોમાં એક મતદાન મથક દીઠ મતદારોની સંખ્યામાં ફેરફાર કરતા એ શહેર -જીલ્લામાં સંખ્યાબંધ મતદાનમથકો વધશે તેમ ફલીત થઇ રહયું છે, પંચે દરેક ડે કલેકટરને તમામ મતદાન મથકો વ્યકિતગત જોવાનો સમય પણ આપી દીધો છે, હાલ રાજકોટ સીટીમાં ૭૭૪ સહિત જીલ્લા આખામાં ૨૧૫૮ મતદાન મથકો છે.

ચૂંટણી પંચે કરેલા મહત્વના ફેરફારમાં ગ્રામ્ય વિસ્તારમાં એક મતદાન મથક દીઠ ૧૨૦૦ મતદારોની સંખ્યા મુકરર કરાઇ હતી તે હવે ૧૧૦૦ મતદારોની કરાઇ છે, તો રાજકોટ સહિતના શહેરોમાં ૧૪૦૦ મતદારો સુધી એક મતદાન મથક ગણાતું તે હવે ૧૩૦૦ ની સંખ્યા માપ નક્કી કરાયો છે.

ચુંટણી પંચે ૨૧ જુનથી મતદાન મથકોની ચકાસણી અને પુન ગઠન કરી લેવા અને ૩૧ જુલાઇ સુધીમાં કામગીરી પૂર્ણ કરી રીપોર્ટ કરી દેવા કલેકટરને કહયું છે.

ચૂંટણી પંચે બુથ લેવલ ઓફીસરો માટે પણ કાર્યક્રમ જાહેર કર્યો છે, જેમાં બીએલઓ પોતાના વિસ્તારમાં ૧ લી જુનથી ડોર ટુ ડોર મુલાકાત લઇ મતદારો-પરિવારોની ચકાસણી કરશે, અને ૩૦ જુન સુધીમાં આ કાર્યવાહી પુરી કરશે.

આ માટેનું અને અન્ય કામગીરી-મતદારો જાગૃતિ માટેનું પ્રચાર-સાહિત્ય બધુ છાપી લેવાયું છે, અને તે અંગે હવે સુચના અપાશે.

ચૂંટણી પંચે વીસીમાં ભાગ આપેલા એક અન્ય મહત્વના આદેશમાં ૧ લી ઓગષ્ટથી ૩૧ ઓગષ્ટ દરમિયાન પુરવણીયાદી અને મતદારયાદીનો મુસદો તૈયાર કરી લેવા સુચના આપી છે.

૧ લી સપ્ટેમ્બરથી સતત સુધારણાવાળી યાદી અને મતદારયાદીની પ્રકસિધ્ધ થશે, અને તે દિવસ થી મતદારયાદી સુધારણા કાર્યક્રમ શરૂ થશે, નાગરિકો તા. ૩૧ ઓકટોબર એટલે કે બે મહિનામાં પોતાના નામ ઉમેરવા ૩ મી સુધારણા સહિતના ફોર્મ ભરી શકશે, અને આવેલા ફોર્મની ચકાસણી રાજકોટ કલેકટર તંત્ર તા. ૩૦ નવેમ્બર પહેલા પૂર્ણ કરી લેશે, અને લોકસભા ચૂંટણી પહેલાની રાજકોટ શહેર-જીલ્લાની આખરી મતદારયાદી તા. ૪ જાન્યુઆરી ૨૦૧૯ના શુક્રવારે પ્રસિધ્ધ થશે, તેમ વીસીમાં સૂચના અપાઇ હતી.

(11:24 am IST)