Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

વારાણસીમાં નિર્માણ હેઠળનો પુલ ધરાશાયી : અનેકના મોત

૧૬ના મોત અને ૫૦થી પણ વધુ લોકો ઘાયલ થયાઃ કાટમાળ હેઠળ મોટી સંખ્યામાં લોકો હજુપણ ફસાયેલા હોવાના અહેવાલ : બચાવ અને રાહત કામગીરી શરૂ થઇ

  વારાણસી: વારાણસીના કેન્ટ વિસ્તારમાં નિર્ણામહેઠળનો પુલ ધરાશાયી થવાની ઘટના બની છે. આ ઘટનામાં ૧૬થી વધુ લોકોના મોત થઇ ગયા છે અને ૫૦થી પણ વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુખ વ્યક્ત કરીને તરત જ ઘટનાસ્થળ પર પહોંચીને બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા અધિકારીઓને આદેશ કર્યો છે. રાજ્ય સરકારે આ બનાવમાં માર્યા ગયેલા લોકોને પરિવારના સભ્યોને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવા અને ગંભીરરીતે ઘાયલ થયેલા લોકોને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. કેન્ટ ક્ષેત્રમાં ફ્લાયઓવરના નિર્માણનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આજે સાંજે એકાએક પુલનો એક હિસ્સો ધરાશાયી થઇને પડી ગયો હતો જેની નીચે અનેક ગાડીઓ દબાઈ ગઈ હતી. કેટલાક લોકો પણ પુલની નીચે દટાઈ ગયા હતા. ૧૫થી વધુ લોકોના મોતને સમર્થન મળી ચુક્યું છે. કાટમાળની નીચે અનેક કાર, ઓટો, ટુ વ્હીલર્સ ફસાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે જેમાં મોટી સંખ્યામા ંલોકો હોઈ શકે છે. કેન્ટ રેલવે સ્ટેશનની પાસે બનેલા આ બનાવમાં નીચે અનેક  ગાડીઓ ઉભેલી હતી જેમને ભારે નુકસાન થયું છે. ઉત્તરપ્રદેશ પોલીસના ડીજીપી ઓપીસિંહે કહ્યું છે કે, બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ કામગીરીમાં લાગી ગઈ છે. એનડીઆરએફના સાધનો પણ તરત જ મોકલવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બનાવ અંગે દુખ વ્યક્ત કર્યું છે. ૭૭૪૧.૪૭ લાખના ખર્ચે આ ફ્લાય ઓવરનું નિર્માણ કામ ચાલી રહ્યું હતું. બનાવમાં મોતનો આંકડો હજુ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં બનેલા આ બનાવના કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. તપાસના જરૂરી આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તો પૈકી અનેકની હાલત ગંભીર હોવાથી મોતનો આંકડો વધવાની દહેશત તંત્ર દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે. વડાપ્રધાને યોગી સાથે ફોન પર વાત કરીને તમામ મદદ કરવાની ખાતરી આપી છે.

(12:00 am IST)