Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

છેલ્લા ૨૪ કલાકમાં મૃત્યુઆંકમાં ૩૦ ટકાનો ઘટાડો

રાજકોટમાં આજે બાવન મોતઃ નવા ૩૨૪ કેસ

પોઝિટિવ રેટમાં ૨.૦૯ ટકાનો વધારોઃ સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૮૨ પૈકી ૧૧ કોવીડ ડેથ થયા : શહેરનો કુલ આંક ૨૫,૨૪૧એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૨૦,૭૫૧ દર્દીઓએ કોરોનાને મ્હાત આપીઃ રિકવરી રેટ ૮૩.૨૮ ટકા થયોઃ શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૩૯૮૯ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૬: શહેર - જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન  છેલ્લા ૨૪ કલાકમાં   ૫૨ મૃત્યુ થયા છે. ગઇકાલ કરતાં મૃત્યુ આંકમાં ૩૦ ટકાનો ઘટાડો થયો છે.

જયારે બપોર સુધીમાં ૩૨૪ કેસ નોંધાયા છે. ગઇકાલ કરતાં આજનાં પોઝિટિવ રેટમાં ૨.૦૯  ટકાનો વધારો થવા પામ્યો છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૫નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧૬નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૫૨ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૮૨ પૈકી ૧૧ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૨૯ બેડ ખાલી છે.

નોંધનીય છે કે છેલ્લા અઠવાડિયાથી રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો ૬૦૦ને પાર કરી ગયો છે ત્યારે શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે.જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૫૨ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાએ ફરી ત્રેવડી સદી ફટકારી

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૩૨૪ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૨૫,૨૪૧ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૨૦,૭૫૧ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૧૧,૭૬૧  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૫૫૧ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૫.૯૩ ટકા થયો  હતો. જયારે ૨૮૪ દર્દીઓ સાજા થયા છે. આજ દિન સુધીમાં ૮,૦૯,૮૮૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૪,૫૩૭ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૦૩ ટકા થયો છે. જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૩૯૮૯  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:05 pm IST)