Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

હરિદ્વાર મહાકુંભમાં ૪૯ લાખ શ્રધ્ધાળુઓની ડુબકી

ગંગાના પાણીથી મોટા પાયે મહામારી ફેલાવાની વૈજ્ઞાનિકોની ચેતવણી

હરિદ્વાર તા. ૧૬ : દેશભરમાં ફેલાઇ રહેલ કોરોના સંક્રમણ વચ્ચે હરિદ્વારમાં અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે. લાખો શ્રધ્ધાળુઓ ગંગા સ્નાન કરવા પહોંચી રહ્યા છે જેના કારણે સંક્રમણ હજુ પણ વધવાનું જોખમ છે. રૂકડી યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને સંક્રમણ હજુ પણ વધુ ઝડપે ફેલાવાની ચિંતા થઇ રહી છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે સંક્રમણ સૂકી સપાટી કરતા પાણીમાં વધારે સમય એકટીવ રહી શકે છે.

વૈજ્ઞાનિકો સંક્રમણ અનેક ગણી ઝડપે ફેલાવાની શકયતાને નકારતા નથી. નિષ્ણાંતો અનુસાર, ગંગાના પાણીના વહેણની સાથે જ વાયરસ વધુ લોકો સુધી પહોંચી શકે છે, તેમના અનુસાર આગામી દિવસોમાં આની અસર વ્યાપક સ્તરે જોવા મળી શકે છે. મહામારી બહુ ઝડપથી ફેલાઇ શકે છે.

હરિદ્વાર કુંભમાં સ્નાન પછી અત્યાર સુધીમાં અખાડાઓ સાથે જોડાયેલ લગભગ ૪૦ સાધુ સંતોને સંક્રમણ થઇ ચૂકયું છે.

મહામંડલેશ્વર કપિલદેવ દાસનું કોરોનાના કારણે મોત થયું છે તો અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગીરી હોસ્પિટલમાં દાખલ છે. લાખોની સંખ્યામાં હજુપણ શ્રધ્ધાળુઓ ગંગા સ્નાન માટે આવી રહ્યા છે. રૂડકી યુનિ.ના વોટર રિસોર્સ ડીપાર્ટમેન્ટના સીનીયર વૈજ્ઞાનિક ડો. સંદિપ શુકલાએ આ અંગે ચિંતા વ્યકત કરી છે.

(11:55 am IST)