Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

સરકાર ગળા ફાડી ફાડીને કહી રહી છે છતાં નથી સમજતા લોકો : લગ્ન પ્રસંગમાં ટોળા એકઠા કર્યા અને ૧૩૫ લોકોને થયો કોરોના

નવી દિલ્હી તા. ૧૬ : દેશની અંદર અત્યારે કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. તેવામાં છત્તીસગઢના જાંજગીર-ચાંપા જિલ્લાના સકતીગુડી ગામની અંદર એક લગ્નપ્રસંગે કોરોના વિસ્ફોટ થયો છે. ૫૦૦ લોકોની વસતીવાળા આ ગામની અંદરની અત્યાર સુધીમાં ૧૩૫ લોકોને કોરોના થઇ ચુકયો છે. ગામના દરેક ઘરની અંદર એક અથવા બે લોકો કોરોના પોઝિટિવ છે. ગ્રામ પંચાયતે આખા ગામને સીલ કરી દીધું છે. ગામના લોકોને ચેપથી બચાવવા માટે ગામની અંદર બહારના લોકોને આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

જાંજગીર-ચાંપા જિલ્લાની ગ્રામ પંચાયત નવાગામના આશ્રિત ગામ સકતીગુડીમાં ૧ થી ૫ એપ્રિલ સુધી કંવર પરિવારમાં લગ્ન હતા. વર અને કન્યા બંને આ એક જ ગામના છે. જેથી લગભગ ગામના તમામ લોકો આ લગ્નમાં સામેલ થયા હતા. ૭ તારીખે ગામની અંદર કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો. ત્યારબાદ ધીરે ધીરે એક એક વ્યકિતને ચેપ લાગ્યો.

ત્યારબાદ ગામના સરપંચે દરેક લોકોનો કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો. ત્રણ દિવસ સુધી કેમ્પ લગાવીને ગ્રામવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા. જેટલા પણ કરોનાના કેસ મળ્યા તમને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. દવા સહિતની અન્ય જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ડોકટરો પણ વ્હોટ્સએપ અને મોબાઇલના માધ્યમથી દર્દીઓ સાથે સંપર્કમાં છે.

(11:53 am IST)