Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

પાકિસ્તાનમાં યુધ્ધ જેવી સ્થિતિ : અનેક શહેરોમાં તોડફોડ - આગજની

ફ્રાંસના રાજદૂતને નિષ્કાપિત્ત કરવા મુદ્દે હિંસા : ફ્રાંસે પાક.માંથી નાગરિકોને પરત બોલાવ્યા

નવી દિલ્હી તા. ૧૬ : કટ્ટરપંથી ઇસ્લામવાદી પાર્ટીના નેતાની ધરપકડ થયા બાદ પાકિસ્તાનની સ્થિતિ કથળી છે. દેશના ઘણા ભાગોમાં હિંસક પ્રદર્શન બાદ પાકિસ્તાનમાં યુદ્ઘ જેવી પરિસ્થિતિઓ ઉભી થઈ છે. વિરોધ કરનારાઓએ દેશનાં સૌથી મોટા શહેર કરાચી સહિતના ઘણા શહેરોના રસ્તાઓ બ્લોક કર્યા છે.

હકીકતમાં, ફ્રાન્સમાં ઇંશનિંદાવાળા કેટલાક પ્રકાશનો માટે ફ્રાન્સના રાજદૂતને હાંકી કાઢવાની માગણી સાથે છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતાં, તે દરમિયાન સરકારે વિરોધ કરી રહેલા કટ્ટરપંથી ઇસ્લામિક તહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (ટીએલપી) પર પ્રતિબંધ મૂકયો હતો અને તે પાર્ટીનાં પ્રમુખને જેલ મોકલી દીધા હતા.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, પાકિસ્તાનમાં ઇસ્લામવાદી પક્ષના નેતાની ધરપકડ થયા બાદ હંગામો વધ્યો હતો. લાહોર, રાવલપિંડી સહિતના ઘણા શહેરો આગજનીની ઘટનાઓ બની. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચારો પર ત્યાં એક યુઝરે કહ્યું કે પાકિસ્તાનમાં યુદ્ઘ જેવી પરિસ્થિતિઓ બની છે. પાકિસ્તાનની પરિસ્થિતિ નિયંત્રણની બહાર થઇ ચુકી છે. ઇમરાન સરકાર અને સેનાની વિરૂધ્ધ લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.

બુધવારે, પાકિસ્તાનના આંતરિક બાબતોના પ્રધાન શેખ રશીદ અહેમદે જાહેરાત કરી હતી કે સરકારે કટ્ટરપંથી ઇસ્લામિક તેહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (ટીએલપી) પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણય બાદ વિરોધીઓ વધુ ગુસ્સે થયા અને હિંસક દેખાવો પર ઉતરી આવ્યા. તેહરીક-એ-લબ્બૈક પાકિસ્તાનનાં પ્રમુખ સાદ રિઝવીની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી, રિઝવીએ ધમકી આપી હતી કે જો સરકાર પયગંબર મોહમ્મદનાં ચિત્રને પ્રકાશિત કરવા અંગે ફ્રાંસનાં રાજદુતની હકાલપટ્ટી કરતી નથી તો દેશભરમાં પ્રદર્શન કરવામાં આવશે, ત્યાર બાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી અને ત્યારથી દેશભરમાં હિંસા શરૂ થઇ ગઇ છે.

(11:53 am IST)