Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ફાઇઝરના સીઇઓનું નિવેદન

કોરોના સામે લડવા માટે રસીના ત્રીજા ડોઝની જરૂર પણ પડી શકે

વોશિંગ્ટન તા. ૧૬ : ભારતમાં ટુંક સમયમાં વિદેશોની કોરોના રસીને આપાતકાલીન ઉપયોગની મંજુરી અપાઇ શકે છે. આ બધી રસીના બે ડોઝ લેવાના હોય છે. જો કે આ દરમિયાન રસી બનાવતી મોટી કંપનીઓમાંની એક ફાઇઝરના સીઇઓ આલ્બર્ટ બોર્લાએ કહ્યું છે કે તેમની કોરોના રસી લેનારાઓએ રસી લીધા પછી ૧૨ મહિનાની અંદર એક બૂસ્ટર ડોઝ પણ લેવો પડશે. આનો સીધો અર્થ એવો થયો કે ફાઇઝરની રસી લેનારાઓને ત્રણ ડોઝ આપવા પડશે.

આલ્બર્ટે કહ્યું કે, એ પણ શકયતા છે કે લોકોએ દર વર્ષે કોરોનાની રસી લેવી પડે. એક કાર્યક્રમ દરમિયાન આલ્બર્ટે કહ્યું, એ શકય છે કે કોરોના રસીના બે ડોઝ લીધા પછી ૬ થી ૧૨ મહિનાની અંદર જ ત્રીજો ડોઝ લેવો પડે. બની શકે કે દર વર્ષે કોરોનાની રસી પણ લેવી પડે પણ તેની પુષ્ટી કરવાની હજુ બાકી છે. હું ફરી એકવાર કહેવા માંગુ છું કે, આમાં કોરોના વેરીયન્ટની ભૂમિકા બહુ મોટી રહેશે.

ઉલ્લેખનિય છે કે રિસર્ચરો હજુ સુધી એ નથી જાણી શકયા કે કોરોના રસી લીધા પછી કેટલા સમય સુધી અસરકારક રહેશે. આ પહેલા ફાઇઝરે કહ્યું હતું કે, તેની રસી કોરોનાથી બચાવવામાં ૯૧ ટકા અસરકારક છે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે રસીના બંને ડોઝ લીધા પછી છ મહિના સુધી તે ગંભીર બિમારી સામે રક્ષણ કરે છે.

(11:48 am IST)