Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

જખૌમાં ઝડપાયેલ ચરસ પ્રકરણમાં મોટો ધડાકો

૩૦૦ કરોડનું ચરસ પંજાબ પહોંચાડવાનું હતુ

આઠેય પાકિસ્તાનીઓની એટીએસ દ્વારા સઘન પૂછપરછ : પાકિસ્તાનથી આવતી બોટ 'કાલીચીની' લઇ આવે છે, એ કોડવર્ડ સાથે ઇનપુટ મળ્યા બાદ જોઇન્ટ ઓપરેશન : જખૌમાં કોને ડિલિવરી આપવાની હતી ? એજન્સીઓ પણ થઇ સતર્ક

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૬ : ગુજરાતના દરિયાઈ માર્ગે કેફિદ્રવ્યોની થઈ રહેલ હેરાફેરી ચિંતાજનક છે. દરમ્યાન ગઈકાલે પોલીસ અને કોસ્ટગાર્ડના સયુંકત ઓપરેશન દ્વારા ઝડપાયેલ ૩૦ કિલો ચરસના જથ્થા ની કિંમત ૩૦૦ કરોડ હોવાની સત્તાવાર વિગતો જાહેર કરાઈ છે. બુધવારે મધરાતે દ્વારકા એસઓજીને મળેલ બાતમી એટીએસને અપાયા બાદ પોલીસે એલર્ટ બનીને આ અંગેનો કોડવર્ડ નુહા કાલીચીની લા રહી હૈ ને ડીકોડ કર્યો હતો.

સાથે સાથે કોસ્ટગાર્ડની મદદ લઈને પાકિસ્તાન ભારતને જોડતી દરિયાઈ જળ સીમા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જેને પગલે નુહા નામની બોટમાં ૩૦ કિલો ચરસ હોવાની અને આ ચરસ જખૌમાં ડિલિવરી કરવાની વાત ધ્યાને આવી હતી. આ સાથે જ દરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને નુહા બોટમાં ૮ પાકિસ્તાનીઓ ૩૦ કિલો ચરસ સાથે ઝડપાઈ ગયા હતા. ગઇકાલે તમામને જખૌ લઈ અવાયા બાદ આ આઠે આઠ પાકિસ્તાનીઓ ની સઘન પૂછપરછ હાથ ધરાઇ હતી.

ચરસના આ જથ્થા અંગે મોટો ધડાકો એ છે કે, તે જખૌથી વાયા પંજાબ પહોંચાડવાનો હતો. જોકે, સ્થાનિકે કોને ડિલિવરી કરવાની હતી તે અંગે ગુપ્ત રીતે પૂછપરછ સાથે સઘન તપાસ ચાલી રહી છે. ઝડપાયેલા ૮ પાકિસ્તાનીઓ કરાચીના મલીર જિલ્લાના ઇબ્રાહિમ હૈદરી ગામના છે. તેમના નામ યામીન ઓમર જતી, મુર્તઝા યામીન જતી, મુસ્તફા યામીન જતી, નસરુલ્લહ યામીન જતી, સાલેમામદે અબ્દુલ્લાહ જતી, હુસેન ઇબ્રાહિમ જતી, રફીક આદમ ઓસમાનઅલી જતી, યાસીન મોહમ્મદ જતી છે.

દરમ્યાન પાકિસ્તાની ડ્રગ્સ માફીયાઓ દ્વારા દરિયાઈ સરહદે સ્થાનિક ભારતીય સંપર્કો સાથે મળીને કેફીદ્રવ્યો ની મોટાપાયે થઈ રહેલ હેરાફેરી ને પગલે એજન્સીઓ પણ સતર્ક બની છે.

(11:00 am IST)