Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

તાઇવાનની વ્યકિતનો અનોખો કિસ્સો

રજાના બ્હાને એક જ મહિલા સાથે ૩૭ દિવસમાં ૪ લગ્ન : ત્રણ છુટાછેડા

નવી દિલ્હી,તા.૧૬:  ઓફિસમાંથી રજા લેવા માટે લોકો બીમારીનું બહાનું કાઢે તે તમે જોયુ હશે, પરંતુ તમે કયારેય એવુ સાંભળ્યુ છે કે કોઈ વ્યકિત રજા માટે અનેક વાર લગ્ન કરે? અહીં તમે રજા લેવા માટે એક વ્યકિતએ કરેલા જુગાડ વિષે વાંચશો તો ચોંકી જશો. એક વ્યકિતએ પોતાની પેઈડ લીવ વધારવા માટે એક જ મહિલા સાથે ચાર વાર લગ્ન કર્યા અને ૩ વાર તેને છૂટાછેડા આપ્યા.

આ ઘટના તાઈવાનની છે જયાં એક વ્યકિતએ ૩૭ દિવસમાં એક જ મહિલા સાથે ચાર વાર લગ્ન કર્યા. પોતાની રજા વધારવા માટે તેણે આ કીમિયો અજમાવ્યો હતો. આ વ્યકિત તાઈપેની એક બેન્કમાં કલાર્કની નોકરી કરતો હતો. રિપોર્ટ્સ અનુસાર, જયારે તેણે લગ્ન માટે રજા માંગી તો તેને માત્ર ૮ દિવસની રજા મળી શકી. ૬ એપ્રિલ, ૨૦૨૦ના રોજ તેના લગ્ન થયા અને થોડા દિવસ પછી રજાઓ પૂરી થઈ ગઈ.

ત્યારપછી તેણે પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા અને ફરીથી લગ્ન કર્યા. ત્યારપછી કાયદા-કાનૂન જણાવીને તેણે ફરીથી રજાની અરજી કરી. તેણે સતત ચાર વાર આવુ કર્યું અને કુલ મળીને લગભગ ૩૨ જેટલી રજાઓ લીધી. પરંતુ તેની યોજના પર પાણી ત્યારે ફરી વળ્યું જયારે બેન્કને તેના જુગાડ વિષે ખબર પડી ગઈ અને તેને વધારાની રજા આપવાથી ઈનકાર કરી દીધો.

જયારે બેન્કે રજા આપવાની ના પાડી તો આ વ્યકિતએ તાઈપે સિટિ લેબર બ્યૂરોમાં ફરિયાદ કરી અને બેન્ક પર લેબર લીવ રુલ્સનો ભંગ કરવાનો આરોપ મૂકયો. કાયદા અનુસાર, કર્મચારીને લગ્ન થાય ત્યારે ૮ દિવસની પેઈડ લીવ આપવી જરૂરી છે. તો આ હિસાબે તેને ૩૨ દિવસની રજા મળવી જોઈતી હતી.

(10:29 am IST)