Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

રૂવાંટા ઉભા થઈ જાય તેવો વિડિયો વાયરલઃ અડધા સળગેલા મૃતદેહને ફેંદી ખાઈ રહ્યા શ્વાનઃ તંત્રની પોલ ખુલી

(મ.પ્રદેશ)આગર માલવા, તા.૧૬: આગર માલવમાં તંત્રને શરમ આવી જાય તેવો બનાવ સામે આવ્યો છે. આગરના મુકિતધામ ખાતે કોરોના પ્રોટોકોલ હેઠળ મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે, ત્યાં શ્વાન અર્ધ સળગેલા મૃતદેહને ફેંદી-ફેંદી ખાઈ રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય વિપિન વાનખેડેએ આને ગંભીર અમાનવીય બેદરકારી ગણાવીને કાર્યવાહી કરવાની માંગ કરી છે. જિલ્લાના કોરોના પ્રભારી મંત્રી ઈન્દરસિંહ પરમારે કહ્યું કે, તપાસ કરીશું.

આગર માલવાના જિલ્લા મથક ખાતે મોટા તળાવ પાસે મુકિતધામ છે. કોરોનાને કારણે થતા મૃત્યુની સંખ્યામાં વધારો થવાને કારણે, આ ઘાટ પર અંતિમ સંસ્કાર માટે પહોંચેલી લાશોમાં પણ વધારો થયો હતો.

કોરોના ચેપગ્રસ્તના અંતિમ સંસ્કાર કોરોના પ્રોટોકોલ હેઠળ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. બુધવારે ૩ મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ મૃતદેહોનો અંતિમ સંસ્કાર કદાચ બેદરકારીભર્યો થઈ રહ્યો છે. કારણ કે મૃતદેહો સંપૂર્ણ રીતે બળી રહ્યા ન હતા. શ્વાન આજ સવારથી આ અડધા મૃતદેહોને ખાઈ રહ્યા હતા. તેનો વીડિયો વાયરલ થયો છે. કોરોના પ્રોટોકોલ હેઠળ મૃતકોના પરિવારો અંતિમ સંસ્કાર કરી શકતા ન હોવાથી વહીવટી તંત્ર મૃતદેહનું અંતિમ સંસ્કાર કરી રહ્યું છે.

કોંગ્રેસના પ્રદેશ ધારાસભ્ય વિપિન વાનખેડેએ તેને ખૂબ જ અમાનવીય ઘટના ગણાવી હતી. તેને ગંભીર બેદરકારી ગણાવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ દરમિયાન શિક્ષણ અને કોરોના પ્રભારી ઈન્દરસિંહ પરમાર આગર માલવા પહોંચ્યા. તેમણે બસ એટલું કહ્યું, ચાલો આ મામલો જોઈશું.

(10:27 am IST)