Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

વેકિસનના બીજા ડોઝના ત્રણ મહિના પછી થયા કોરોના-પોઝિટિવ

મુંબઇના ભૂપેન્દ્ર ઠક્કરે ૧૬ ડિસેમ્બરે પહેલો અને ૧૩ જાન્યુઆરીએ કોવિડ વેકિસનનો બીજો ડોઝ લીધો હતોઃ અત્યારે તેઓ કોવિડ ઇન્ફેકશન સાથે સાયન હોસ્પિટલમાં છે

મુંબઇ, તા.૧૬: ગયા વર્ષના ડિસેમ્બરમાં જયારે એક કંપની પોતાની કોવિડ વેકિસનની ટ્રાયલ માટે વોલન્ટિયર્સ શોધી રહી હતી ત્યારે મુલુંડમાં રહેતા ૬૬ વર્ષના ભૂપેન્દ્ર ઠક્કરે એમાં ભાગ લીધો હતો. ૧૬ ડિસેમ્બરે તેમણે પહેલો ડોઝ લીધો હતો અને એના ૨૮ દિવસ બાદ એટલે કે ૧૩ જાન્યુઆરીએ તેમણે આ જ વેકિસનનો બીજો ડોઝ લીધો હતો. એ વખતે તેમને ખાસ કોઈ આડઅસર નહોતી થઈ. જોકે નવાઈની વાત એ છે કે વેકિસનના બીજા ડોઝના ત્રણ મહિના બાદ એટલે કે બુધવારે મુલુંડની એક હોસ્પિટલમાં પેટમાં દુખાવાની સારવાર માટે તેમને દાખલ કરવાના હતા ત્યારે હોસ્પિટલે કોવિડ પ્રોટોકોલ મુજબ ટેસ્ટ કરાવવાનું કહ્યું. તેમણે રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવી તો એ પોઝિટિવ આવી હતી. આ સંદર્ભે તેમણે સુધરાઈને જાણ કરતાં બુધવારે રાતે તેમને સાયન હોસ્પિટલમાં શિફટ કરવામાં આવ્યા છે.

કોઈ પણ વેકિસનની ટ્રાયલમાં અમુક વોલન્ટિયર્સને વેકિસન આપવામાં આવે છે, તો અમુકને પ્લેસિબો (નિષ્પક્ષપણે વેકિસનનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે અમુક લોકોને વિટામિનનાં સપ્લિમેન્ટ્સ આપવામાં આવે એ) આપવામાં આવે છે. જે લોકોને પ્લેસિબો આપવામાં આવી હોય તેમને એક વાર વેકિસનને ઇમર્જન્સી ઉપયોગ માટે અપ્રૂવલ મળે કે તરત વેકિસન આપવામાં આવે છે. જોકે આ કેસમાં ભૂપેન્દ્રભાઈનું કહેવું છે કે 'મને વેકિસન જ આપવામાં આવી હતી. થોડા સમય પહેલાં મેં ટેસ્ટ કરાવી હતી જેમાં મારા શરીરમાં એન્ટિબોડીઝ મળ્યાં હતાં. જો એવું ન હોત તો મને વેકિસન લેવા માટે કોલ આવ્યો હોત.'

મુલુંડ-વેસ્ટમાં સેજલ અપાર્ટમેન્ટમાં રહેતા ભૂપેન્દ્રભાઈને આપણા દેશ પ્રત્યે બહુ પ્રેમ છે અને આ જ કારણસર તેમણે ડિસેમ્બરમાં વેકિસન માટે વોલન્ટિયર બનવાનું નક્કી કર્યુ હતું. એ સમયે તેમણે 'મિડ-ડે'ને કહ્યું હતું કે દેશ માટે પ્રેમ કરનાર દરેક વ્યકિતએ આ ટ્રાયલમાં સામેલ થવું જોઈએ. ત્યાર બાદ જયારે દેશમાં ફ્રન્ટલાઇન વર્કર્સ માટે રસીકરણ શરૂ થયું ત્યારે પણ તેમણે લોકોને હિંમત આપવાનું કામ કર્યું હતું.

ગઈ કાલે સાયન હાઙ્ખસ્પિટલમાંથી ભૂપેન્દ્રભાઈ ઠક્કરે શ્નકહ્યું કે શ્નમને બીજા બધા લોકોને હોય એવાં કોઈ લક્ષણ નથી. નથી મને તાવ કે નથી મારું માથું દુખતું કે નથી મને શરદી-ઉધરસ. હા, પણ પેટમાં ઇન્ફેકશનને લીધે મને ઝાડા થઈ ગયા છે અને અત્યારે મારા શરીરમાં લિકિવડ પણ નથી ટકતું. ડોકટરોએ આવીને મારાં લક્ષણ વિશે મારી સાથે વાત કરી લીધી. બસ, ત્યાર બાદ કોઈએ મને કશું પૂછ્યું નથી. મને તો બીજા ડોઝ વખતે કહેવામાં આવ્યું હતું કે હવે ૧૪ દિવસ બાદ તમારા શરીરમાં એન્ટિબોડીઝ આવી જશે અને તમને કોરોના નહીં થાય. કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ જોઈને મને પોતાને નવાઈ લાગી રહી છે.'

આ બાબતે સાયન હોસ્પિટલના ડીન ડો. મોહન જોશીએ કહ્યું કે 'તમે જે દરદીની વાત કરી રહ્યા છો એની મને જાણ નથી. શકય છે કે તેમને પ્લેસિબો આપવામાં આવ્યું હોય અને એને લીધે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય.'

જોકે ત્યાર બાદ તેમણે હોસ્પિટલમાં આવીને ભૂપેન્દ્રભાઈની સારવાર કરી રહેલા ડોકટર પાસેથી વધુ માહિતી લેવાનું કહ્યું હતું.

મને બીજા બધા લોકોને હોય એવાં કોઈ લક્ષણ નથી. નથી મને તાવ કે નથી મારું માથું દુખતું કે નથી મને શરદી-ઉધરસ. હા, પણ પેટમાં ઇન્ફેકશનને લીધે મને ઝાડા થઈ ગયા છે ભૂપેન્દ્ર ઠક્કર.

(10:24 am IST)