Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

હવે સમય આવી ગયો છે કે મહિલા પણ ભારતની ચિફ જસ્ટિસ બને :સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ ભેદભાવ થતો નથી:CJI બોબડે

સુપ્રીમ કોર્ટેના પાછલા 71 વર્ષમાં નિમાયેલા 247 જજોમાં માત્ર આઠ મહિલાઓ હતી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડેએ એક મહિલા વકીલની પિટિશન પર મહિલા ચીફ જસ્ટિસ બાબતે ટિપ્પણી કરી છે. તેમનુ કહેવુ છે કે, હવે સમય આવી ગયો છે કે મહિલા પણ ભારતની ચિફ જસ્ટિસ બને. આ માટે સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ ભેદભાવ થતો નથી.

ચીફ જસ્ટિસે આ ટિપ્પણી કરી છે તેની પાછળનુ કારણ એ છે કે, તાજેતરમાં એક મહિલા વકીલે પિટિશન કરીને હાઈકોર્ટમાં જજ તરીકે મહિલાઓની ભાગીદારી વધે તે માટે માંગ કરી છે. આ મહિલા વકીલનુ કહેવુ હતુ કે, ન્યાયપાલિકામાં મહિલાઓનુ પ્રમાણ માત્ર 11 ટકા છે. જે બહુ ઓછુ કહી શકાય. સુપ્રીમ કોર્ટેના પાછલા 71 વર્ષના કાર્યકાળમાં નિમાયેલા 247 જજોમાં માત્ર આઠ મહિલાઓ હતી.

હાલમાં પણ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ઈન્દિરા બેનરજી એક માત્ર મહિલા જજ છે. પહેલા મહિલા જજ ફાતિમા બીબી હતા. જે 1987માં નિમાયા હતા.

મહિલા વકીલનુ એવું પણ કહેવુ છે કે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટમાં પ્રેકિટસ કરતા મહિલા વકીલોમાંથી જ કોઈની જજ તરીકે પસંદગી કરવી જોઈએ.

દરમિયાન ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ કહ્યુ હતુ કે, “હું જ્યારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ હતો ત્યારે મેં બહુ પ્રયત્ન કર્યો હતો પણ જે મહિલા વકીલનો અમે સંપર્ક કરતા તે કહેતા કે બાળકોની અને ઘરની જવાબદારી અમારા પર છે. આ રીતે મહિલા જજની નિમણૂંકમાં ઘણી મુશ્કેલીઓ સામે આવતી રહી છે. જોકે, તમે ચિંતા ના કરો, ભારતમાં મુખ્ય ન્યાયાધીશ મહિલા બને તે સમય આવી ગયો છે.

(11:29 pm IST)